મોબાઈલ એસેસરીઝના ધંધા સાથે સંકળાયેલા વેપારીનું અપહરણ કરનારા ત્રણ પકડાયા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/Western-3dlogo1-1024x591.jpg)
સુરત, ઓનલાઈન મોબાઈલ એસેસરીઝના ધંધા સાથે સંકળાયેલા વેપારીનું સુરત શહેરના કાપોદ્રા ચાર રસ્તા પાસેથી કારમાં અપહરણ કરી લેવામાં આવ્યું હતું. આ વેપારી બુકી હોવાનું અને તેની પાસે રાજકોટથી ૧૦ કરોડ રૂપિયા આવ્યા હોવાનું કહી ૧ કરોડ રૂપિયાની ખંડણી માટે ધમકાવી અબ્રામા ગામ પાસે છોડી દેવાયો હતો.
કાપોદ્રા ચાર રસ્તા પાસે ચશ્માનું વેચાણ કરતાં એક મહિલાએ વેપારીનું અપહરણ કરાયું હોવાનું જોઈ જાતે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. સ્થળ પર વેપારીનું બાઈક દેખાઈ આવતા પોલીસે બાઈકના નંબરના આધરે વેપારી સુધી પહોંચી હતી અને પોલીસે ત્રણ અપહરણકર્તાઓને દબોચી લીધા હતા.
ભાવનગરના ત્રાપજનો વતની અને હાલ માતાવાડી રંગ અવધૂત સોસાયટીમાં રહેતા આકાશ કુકડિયા, નાના વરાછા વ્રજવિલા હવેલી પાસે મોબાઈલ ફોનની એસેસરીઝનો ઓનલાઈન વેપાર કરે છે. મંગળવારે બપોરે ઘરેથી જમીને બે પોતાની ઓફિસ તરફ જઈ રહેલા આકાશની મોપેડને કાપોદ્રા ચાર રસ્તા પાસે કાર અને બાઈક પર આવેલા ચાર શખ્સોએ આંતરી લીધો હતો.
તું બુકી છે તારી પાસે રાજકોટથી ૧૦ કરોડ રૂપિયા આવ્યા છે અને તારે કારણે રાજકોટમાં બે વ્યક્તિઓએ આત્મહત્યા કર્યાનું કહી બળજબરીથી કારમાં બેસાડી દેવાયો હતો. આ યુવકને નાના વરાછા લઈ જઈ ટોર્ચરિંગ કરી ૧ કરોડની ખંડણી માંગવામાં આવી હતી. તે નહીં આપે તો રાજકોટ લઈ જઈ બે વ્યક્તિઓના આપઘાતના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી અબ્રામા ગામ પાસે છોડી દેવાયો હતો.