BVM એન્જિનિયરીંગ કોલેજે L&Tના ચેરમેન એ.એમ. નાઇકને “BVM રત્ન” એવોર્ડ અર્પણ કર્યો
પદ્મ વિભૂષણ વિજેતા, અગ્રણી ભારતીય દાનવીર અને એલએન્ડટી ગ્રૂપના ચેરમેન નાઇકને કોલેજની પ્લેટિનમ જ્યુબિલી ઉજવણી દરમિયાન પ્રતિષ્ઠિત એવોર્ડ અર્પણ-
એ એમ નાઇક ચારુતર વિદ્યા મંડળની સંસ્થા આણંદ નજીક આવેલી બીવીએમ એન્જિનિયરીંગ કોલેજના ભૂતપુર્વ વિદ્યાર્થી છે-નાઇકે પોતાનાં જીવનની 75 ટકાથી વધુ આવક દાનમાં આપી છે
આણંદ, શિક્ષણ નગરી વલ્લભ વિદ્યાનગરમાં આવેલી બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય એન્જિનિયરીંગ કોલેજ (BVM) ને કોલેજની પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણી દરમિયાન “બીવીએમ રત્ન” એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. 75 વર્ષમાં પ્રથમ વાર આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે.
કાર્યક્રમ દરમિયાન, કોલેજ મેનેજમેન્ટે ઉદ્યોગ અને સમાજમાં શ્રી નાઇકે કરેલા અભૂતપુર્વ પ્રદાનની પ્રશંસા કરવામાં આવી હતી. આ પ્રસગે તેમણે કરેલી સહાયને કારણે બીવીએમના વિદ્યાર્થીઓ તથા ફેકલ્ટીમાં આવેલા પરિવર્તનનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે એ એમ નાઇકે જણાવ્યું હતું કે, બીવીએમ એન્જિનિયરીંગ કોલેજની પ્લેટિનમ જ્યુબિલી ઉજવણી પ્રસંગે બીવીએમ રત્ન એવોર્ડ મેળવતા હું ગર્વની લાગણી અનુભવું છું. “હું દરેક જણને એમ કહેવા માંગું છું કે તમે જે પણ સંસ્થા સાથે સંકળાયેલા હોય, હિંમત ન હારશો અને અગ્રણી સંસ્થાઓનાં વિદ્યાર્થીઓથી લઘુતાગ્રંથી ન અનુભવો.
જો તમારામાં જુસ્સો, દ્રઢ વિશ્વાસ અને પ્રતિબધ્ધતા હોય તો તમે દુનિયાને હરાવી શકો છો. બીવીએમના વિદ્યાર્થી (BVMite) હોવાનો મને ગર્વ છે અને જો એ એમ નાઇક કરી શકે, તો તમે પણ કરી શકો.”
એ એમ નાઇક ચારુતર વિદ્યા મંડળની સંસ્થા બીવીએમ એન્જિનિયરીંગ કોલેજના ભૂતપુર્વ વિદ્યાર્થી છે. તેમણે અહીંથી મિકેનિકલ એન્જિનિયરીંગ કોલેજમાંથી બેચલર્સ ડિગ્રી મેળવી છે. બીવીએમ ગુજરાતની પ્રથમ એન્જિનિયરીંગ કોલેજ છે, જેની સ્થાપના જૂન, 1948માં થઈ હતી અને 2015થી તે રાજ્યની પ્રથમ સ્વાયત્ત કોલેજ છે.
શિક્ષણવિદોનાં પરિવારમાંથી આવતા નાઇકે પોતાનાં જીવનની 75 ટકાથી વધુ આવક દાનમાં આપી છે. શિક્ષણ, કૌશલ્ય અને હેલ્થ કેર પર વિશેષ ફોકસ સાથે તેમણે બે ચેરિટેબલ ટ્રસ્ટ-નાઇક ચેરિટેબલ ટ્રસ્ટ ફોર એજ્યુકેશન એન્ડ સ્કિલ ટ્રેઇનિંગ અને નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટની સ્થાપના કરી છે.
તેમણે વર્ષ 2021માં મુંબઇમાં મઢ ખાતે એલએન્ડટીની સ્કિલ ટ્રેઇનર્સ એકેડેમી (STA) ની સ્થાપના કરી છે. આ એકેડેમી ભારતમાં સ્કિલિંગ ઇકોસિસ્ટમમાં ટ્રેઇનર્સને ઉચ્ચ સ્તરીય તાલીમ આપે છે.
વ્યક્તિગત સખાવત-એ એમ નાઇક ભારતીય કંપની જગતના સૌથી ઉદાર દાનવીર છે. તેમણે વંચિતો અને જરૂરિયાતમંદોને પોતાની આવકમાંથી 75 ટકા હિસ્સો દાનમાં આપવાની જાહેરાત કરી છે. તેમણે 2009માં બે ટ્રસ્ટ-નાઇક ચેરિટેબલ ટ્રસ્ટ અને નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટની સ્થાપના કરી હતી.
નાઇક ચેરિટેબલ ટ્રસ્ટ –આ ટ્રસ્ટ ગુણવત્તાસભર શિક્ષણ પૂરું પાડે છે અને કૌશલ્ય નિર્માણ માટે પ્રોત્સાહન આપે છે. ટ્રસ્ટે પોવાઇ, મુંબઇમાં શાળા ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં શાળાઓ અને શિક્ષણ કેમ્પસ સ્થાપ્યા છે. કૌશલ્ય નિર્માણ પહેલ નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન સાથે સંલગ્ન છે. આ સંસ્થા જૂજ સંસ્થાઓમાંની એક છે, જે ગામડાંના અકુશળ યુવાનોને અર્થસભર રોજગારી આપીને ઉદ્યોગ સાહસિક બનવાની તક પૂરી પાડે છે.
નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ –માત્ર બે વર્ષની ઉંમરે કેન્સર સામે જંગ હારનાર પૌત્રી ‘નિરાલી’નાં નામે સ્થાપિત આ ટ્રસ્ટનો હેતુ જરૂરિયાતમંદોને આધુનિક મેડિકલ કેર પૂરી પાડવાનો છે. આ ટ્રસ્ટે મુંબઇ અને ગુજરાતમાં હોસ્પિટલોની સ્થાપના કરી છે. 10 જૂનનાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવસારીમાં નિરાલી કેન્સર એન્ડ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું.