BMW કારની ટક્કરે બાઈક ચાલક યુવકનું મોત
રાજકોટ: રાજકોટમાં મંગળવારે મોડી રાત્રે ૮૦ ફૂટ રોડ પર અમુલ સર્કલ પાસે બીએમડબલ્યુ કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. થોરાળા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.
આ અકસ્માતમાં કાર ચાલક અને બાઇક ચાલક કોણ હતા તે અંગે હાલ પોલીસ તપાસ કરી રહી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાં મોડી રાતે એક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યુ છે.
આ અખસ્માત બાદ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. મહત્વનું છે કે, સુરતના ભટાર ચાર રસ્તા પાસે થોડા દિવસ પહેલા મર્સિડીઝ કારના ચાલકે હિટ એન્ડ રનની ઘટનાને અંજામ આપ્યો હતો. આ ગાડી ચાલકે ૫ જણાને અડફટે લીધા હતા.
જેમાં સાયકલ સવારનું ઘટના સ્થળે મોત થયું હતું, જયારે મોપેડ, કાર અને રિક્ષાવાળાને ગંભીર ઈજા થતા સિવિલ હૉસ્પિટલમાં ખસેડાયા છે. મર્સિડીઝ મૂકી ભાગેલો ચાલક દારૂના નશામાં હોવાની આશંકા છે. કારનો ચાલક તેના શેઠને એરપોર્ટ લેવા નીકળ્યો હતો. તે સમયે અકસ્માત થયો હતો. અકસ્માતની ઘટનાની જાણ થતાં ખટોદરા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.