Western Times News

Gujarati News

એમેઝોન જેવી કંપની ઉભી કરીને ૩૯ કરોડથી વધુ રૂપિયા ચાંઉં કરી ગયા

અમદાવાદ, લોકોના રૂપિયા પડાવીને છેતરપિંડી કરાતી હોવાના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. આવામાં ઓછા સમયમાં રૂપિયા ડબલ કરવાની અને વધુ વળતર મેળવવાની લાલચ આપીને લોકોને ફસાવવામાં આવતા હોવાની સ્કીમ બતાવીને પણ છેતરપિંડી આચરવામાં આવતી હોય છે.

આવો જ વધુ એક કિસ્સો બન્યો છે કે જેમાં એમેઝોન જેવી કંપની ઉભી કરીને ૧૦-૧૫%નું વળતર આપવાની વાત કરીને ૧૫૦થી વધુ લોકો સાથે છેતરપિંડીની ઘટના બની છે. આ મામલે CID ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતા નોઈડથી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

મળતી વિગતો મુજબ પાલનપુરના અમરિષભાઈ પંચાસરા અને તેમના મિત્ર રોહિત પટેલે વર્ષ ૨૦૧૮માં વેપાર કરવા માટે ઓનલાઈન તપાસ કરી રહ્યા હતા, આ દરમિયાન તેમને ફેસબૂક પરથી KRLનો નંબર મળ્યો હતો, જ્યારે આ કંપનીને ફોન કરીને વાત કરી ત્યારે આખું છેતરપિંડીનું ચક્કર ચાલું થયું અને ધીમે-ધીમે તેમાં જાેડાતા લોકોની સંખ્યા વધીને ૧૬૦ સુધી પહોંચી ગઈ અને રોંકાણની કિંમત પણ ૩૯.૧૯ કરોડ રૂપિયા થઈ ગઈ હતી.

આ પછી છેતરપિંડી કરનારા તત્વોએ પોતાનો અસલી રંગ બતાવ્યો અને રોકાણ કરનારાઓને રાતા પાણીએ રોવડાવ્યા હતા. અમરિષભાઈ અને રોહિતે KRL કંપની સાથે વાત કરતા વસીમ રાજા ખાન મોહમ્મદ રાજા ખાને પોતાને માલિક ગણાવીને કંપની નોઈડામાં હોવાનું જણાવ્યું હતું.

વસીમ રાજા ખાને પોતાની કંપનીનું જાેડાણ એમેઝોન અને ફ્લિપકાર્ટ સાથે હોવાનું કહીને રોકાણથી ઊંચું વળતર અને મૂડી ત્રણ વર્ષમાં પરત મળવાની લોભામણી લાલચ આપી હતી. વસીમ રાજા ખાન મહિને ૧૦-૧૫ ટકાનું વળતરની વાત કર્યા બાદ તે અમદાવાદમાં ધ ઉમેદ હોટલમાં આવ્યો હતો અને ત્યાં રોહિત પટેલે મોટી વાતોમાં આવીને ૨.૫૦ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું.

આ રોકાણ બાદ જણાવ્યા પ્રમાણેનું વળતર મળતા તેમને કંપની ખોટી ના હોવાનું માનીને પોતાના સગા તથા મિત્ર રવિન્દ્ર પટેલ પાસેથી ૩૦ લાખ રૂપિયા લઈને રોકાણ કર્યું હતું. ધીમે-ધીમે રોકાણ ઊંચું આવતું ગયું અને રોકાણ કરનારા લોકોની સંખ્યામાં પણ વધારો થતો હતો.

કંપનીને મોટી કરવા માટે તેની ડિલરશીપ ગુજરાતમાં બનાવવા માટેની વાત કરીને વસીમ રાજા ખાને અમરિષભાઈ, રોહિતભાઈ અને રવિન્દ્રને પોતાના ડોક્યુમેન્ટ્‌સ તેના એકાઉન્ટન્ટ હિમાંશુ શાશ્વતને મોકલી આપવાની વાત કરી હતી.

સમયસર વળતર મળતું હોવાનું જાણીને વધારે લાભ લેવા માટે ત્રણે મિત્રોએ દસ્તાવેજ મોકલી આપ્યા અને રોકાણકારોનો આંકડો ૧૬૦ પર પહોંચી જતા રોકાણની કુલ રકમ પણ ૪૦ કરોડની નજીક પહોંચી ગઈ હતી. આ પછી વળતર આપવાનું અટકી જતા રૂપિયા ડૂબ્યા હોવાની શંકા ગઈ હતી અને અમરિષભાઈ પંચાસરાએ આ મામલે વસીમ રાજા ખાન, મોહમ્મદ રાજા ખાન, હિમાંશુ શાશ્વત, સાહિલ રાજા ખાન, મોહમ્મદ રાજા ખાન હમીદ ખાન, અજીમ શમશેદ હુસૈન સામે ફરિયાદ નોંધાવી છે.

લોભામણી લાલચ અને પછી કરોડોની છેતરપિંડીની કેસમાં CID ક્રાઈમે વસીમ રાજા ખાન અને હિમાંશું શાશ્વતની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. આ બન્નેનના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આરોપીઓએ વર્ષ ૨૦૧૮થી ૨૦૨૨ સુધીમાં ૩૯.૧૯ કરોડની છેતરપિંડી KRL કંપનીના નામે કરી હતી. હવે આ રૂપિયાનું રોકાણ ક્યાં કરાયું છે અને અન્ય કેટલા લોકોની સાથે છેતરપિંડી કરવામાં આવી છે તે અંગે તપાસ કરવામાં આવે તે જરુરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.