Western Times News

Gujarati News

6000 કરોડ BZ કૌભાંડઃ નરેશ હિસાબનીશની ધરપકડઃ ઝાલાના રિમાન્ડ પૂરા થતા જેલમાં

પ્રતિકાત્મક

(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલા બીઝેડ ગ્રુપ કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમે વધુ એક મહત્વની કામગીરી કરી છે. કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ હવે કૌભાંડનો હિસાબ રાખનાર નરેશને પણ ઝડપી લેવામાં આવ્યો છે.

નરેશની ધરપકડ સાથે કૌભાંડમાં થયેલા હિસાબોના ગોટાળાનો વધુ ખુલાસો થવાની શક્યતા છે. સીઆઈડી હવે નરેશ પાસેથી કૌભાંડના પૈસા ક્યાં ખર્ચવામાં આવ્યા હતા તે અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કરશે.

બીઝેડ કૌભાંડના આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાના રિમાન્ડ પૂર્ણ થતા ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ભૂપેન્દ્રસિંહ ઝાલાના ફરી રિમાન્ડ માંગવામાં ના આવતા કોર્ટે જ્યુડીશિયલ કસ્ટડીનો હુકમ કર્યો હતો.

મહત્ત્વપૂર્ણ છે કે ગુજરાતમાં બીઝેડ ગ્રુપના ૬૦૦૦ કરોડના કૌભાંડની સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. બીઝેડ ગ્રુપના કરોડો રૂપિયાનું કૌભાંડ મામલે એક એજન્ટ સહિત મ્ઢના સ્ટાફ સાથે સીઆઈડી ક્રાઇમે ૭ આરોપીઓની ધરપકડ કરી છે. મુખ્ય એજન્ટ મયુર દરજી, વિશાલસિંહ ઝાલા, દિલીપ સોલંકી, આશિક ભરથરી, સંજય પરમાર, રાહુલ રાઠોડ, રણવીરસિંહ ચૌહાણની ધરપકડ થઇ ચુકી છે.

ધરપકડ બાદ પૂછપરછમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે કબૂલ્યું છે કે તે ટૂંક સમયમાં રાજનીતિમાં પ્રવેશ કરવા માંગતો હતો અને આ કૌભાંડને આટોપાઈને ૨૦૨૭ની વિધાસભા ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યો હતો. તેણે અનેક રાજનેતાઓ સાથેના સંબંધોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે તે ભાજપના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડવા માંગતો હતો અને આ માટે તેણે લોકસભા ચૂંટણીમાં સાબરકાંઠા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી પણ નોંધાવી હતી.

બીઝેડ ગ્રુપે ૧૧ હજાર લોકો પાસેથી રોકાણ લઈને ૬૦૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું. ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેના સાગરીતોએ લોકોને વધુ વ્યાજ આપવાની લાલચ આપીને પૈસા ઉઘરાવ્યા હતા. સીઆઈડી ક્રાઈમે આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ લોકો સામે કાર્યવાહી કરવાનું શરૂ કર્યુ છે. હાલમાં સીઆઈડી ઝાલા અને નરેશ પાસેથી વધુ માહિતી મેળવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.