Western Times News

Gujarati News

ગરીબ પરિવારોને લોભામણી લાલચો આપીને તગડુ વ્યાજ આપવાની લાલચ આપતું હતું BZ ગ્રુપ

સાબરકાંઠા, અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતમાં BZ ગ્રુપ પર દરોડા-હિંમતનગર, તલોદ, મોડાસા, મેઘરજ સહિતની શાખાઓમાં તપાસ હાથ ધરાઈ

હિંમતનગર, સાબરકાંઠા, અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતમાં છેલ્લાં કેટલાક સમયથી હિંમતનગર સ્થિત એક યુવાને પોંઝી સ્કીમ શરૂ કરીને હિંમતનગર સહિત તાલુકાના અન્ય મથકે તથા અરવલ્લીના મોડાસા, મેઘરજ સહિત ઉત્તર ગુજરાતના અનેક ઠેકાણે ગરીબ પરિવારોને લોભામણી લાલચો આપીને તેમની સ્કીમોમાં રોકાણ કરાવી તગડુ વ્યાજ આપવામાં આવતું હતું. BZ group sabarkantha Bhupendrasinh zala Gujarat

પરંતુ છેલ્લા કેટલાક સમયથી બી ઝેડ ગ્રુપના સંચાલકોએ સંતોષકારક જવાબ મળ્યા ન હોવાથી આવા રોકાણકારોએ ખાનગી રાહે તપાસ એજન્સીઓને માહિતી પહોંચાડી હોવાની ચર્ચા છેલ્લા કેટલાક દિવસથી સાબરકાંઠા સહિત અરવલ્લી અને ઉત્તર ગુજરાતમાં ચાલી રહી છે. દરમિયાન મંગળવારે સીઆઈડી ક્રાઈમની ટીમે એકી સાથે સંચાલકો તથા તેમના એજન્ટોની ઓફિસો પર દરોડો પાડતાં ચકચાર મચી જવા પામી હતી.

આ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, હિંમતનગર તાલુકાના એક ગામમાં રહેતા ભુપેન્દ્રસિંહ ઝાલા (બી ઝેડ) દ્વારા પોન્ઝી સ્ક્રીમ શરૂ કરી હતી. શરૂઆતમાં તેમણે હિંમતનગર, તલોદ, રણાસણ, ભિલોડા, મોડાસા, ગાંભોઈ, મેઘરજ, રાયગઢ સહિતના અન્ય સ્થળે એજન્ટો રોકીને રોકાણકારોને આકર્ષવા માટે પોન્ઝી સ્કીમની સમજ આપવામાં આવતી હતી. જયાં લોકચર્ચા મુજબ રોકાણકર્તાને દર મહિને તગડુ વ્યાજ આપવામાં આવતું હતું.

જેના લીધે બી ઝેડનો પથારો ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારો સુધી પથરાઈ ગયો હતો. દરમિયાન તેમણે છેલ્લા થોડોક સમયમાં જ અંદાજે રૂ.૧ હજાર કરોડથી વધુનું રોકાણ મેળવી લીધુ હોવાનું મનાઈ રહ્યું છે.

દરમિયાન મંગળવારે હિંમતનગર સહિત અરવલ્લી અને ઉત્તર ગુજરાતમાં આવેલી બીઝેડ ગ્રુપ શાખાઓમાં સીઆઈડી ક્રાઈમે એકી સાથે દરોડો પાડીને દસ્તાવેજી પુરાવા કબજે લઈ લીધા છે. જોકે સીઆઈડી ક્રાઈમના અધિકારીએ સમગ્ર કામગીરી ખુબજ ગુપ્ત રીતે કરી હોવાને કારણે વધુ જાણકારી હાલના તબકકે મળવી મુશ્કેલ છે.

લોકમુખે ચર્ચાતી વાતો મુજબ બી ઝેડ ગ્રુપ પર પડેલા દરોડાને કારણે હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં આવેલી તેમની આલીશાન ઓફિસ અને અન્ય ધંધાના શટરો ટપોટપ પડી ગયા હતા અને એજન્ટો તથા દુકાનોના સંચાલકો સંતાઈ ગયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.