C R પાટીલના ભાઇનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
સુરત ભાજપના પ્રમુખ નીતીન ભજીયાવાલા અને તેમની પત્નિ જયશ્રી બહેનનો કોરોના પોઝિટિવ આવ્યો હતો
સુરત, સુરતમાં હાલ કોરોનાવાયરસનો કહેર વ્યાપી રહ્યો છે. ત્યાં સમાચાર મળી રહ્યાં છે કે, ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનાં ભાઇ પ્રકાશ પાટીલનો કોવિડ ૧૯નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમની સાથે તેમના ડ્રાઇવરનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેના કારણે પ્રકાશ પાટીલનો આખો પરિવાર હોમ ક્વાૅરન્ટાઇ થઇ ગયો છે. પ્રકાશ પાટીલને ખાનગી હાૅસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
નોંધનીય છે કે, ભાજપનાં અધ્યક્ષ સી.આર પાટીલે પરિવાર સાથે રક્ષાબંધનનો પર્વ ઉજવ્યો હતો. મહત્વનું છે કે, સોમવારે જ મળતી માહિતી પ્રમાણે, સુરત ભાજપના પ્રમુખ નીતીન ભજીયાવાલા અને તેમની પત્ની જયશ્રી બેનનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેમને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. પરંતુ પાછલા એક સપ્તાહમાં અનેક કાર્યક્રમમાં નીતીન ભજીયાવાલાની હાજરી નોધાઇ હતી. આ સાથે સોમવારે કોરોના પોઝિટિવ આવેલા કેસોમાં જે સમાજમાં રહીને કામ કરે છે તેવા અનેક લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
જેથી અનેક લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. નોધનીય છે કે, ફાયર વિભાગ દ્વારા પોઝિટિવ કેસ ધરાવતી મિલકત, આસપાસના રોડ-વિસ્તારો, વિવિધ આરોગ્ય સેન્ટર, સમરસ સેન્ટર, વિવિધ સરકારી હોસ્પિટલ, કોવિડ સેમ્પલ કલેક્શન સેન્ટર, શાકભાજી માર્કેટો, વિવિધ સરકારી ઇમારતો, ટેક્ષ્ટાઇલ માર્કેટો વગેરે સહિત અત્યાર સુધી ૫.૨૭ લાખ મિલકત, વિસ્તારોમાં સેનિટાઇઝની કામગીરી કરવામાં આવી છે.
સેનેટાઇઝની કામગીરી ઉપરાંત ફાયર વિભાગ દ્વારા પોતાની મૂળ કામગીરીમાં પણ કોઇ જ ઘટાડો થયો નથી. રાઉન્ડ ધ ક્લોક કોવિડ દરદીઓ, જાહેર મિલકતો, કોવિડ દરદીઓ સાથે સંકળાયેલ મિલકતોનું સેનિટાઇઝ અને હવે કોવિડના દરદીઓની મૃત્યુ બાદ અંતિમ સંસ્કારની કામગીરીમાં પણ જાતરાયેલ ફાયર વિભાગના કુલ સ્ટાફ પૈકી અત્યાર સુધી ૨૪ અધિકારી/કર્મચારીઓ પોઝિટિવ આવ્યા છે.