CAAના સમર્થનમાં લોકો રસ્તાઓ ઉપર ઉતરી રહ્યા છે
અમદાવાદ: આજરોજ ભુલાભાઈ પાર્ક વિસ્તારમાં સીએએ કાયદાના સમર્થનમાં જાગૃત નાગરિકો સ્થાનિક લોકો સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. લોકો પોતાના હાથમાં સીએએના સમર્થનના નારા અને તાજેતરના પોલીસ પરના હુમલાને વખોડતાં લખાણો સહિતના બેનરો-પ્લેકાર્ડ લઇ ઉતરી આવ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં ફરીને અન્ય લોકોને પણ સીએએ કાયદા વિશે જાગૃત કરવાનો અનોખો પ્રયાસ કર્યો હતો.
અમદાવાદના ભુલાભાઇ પાર્ક વિસ્તારની જેમ જ રાજયના અન્ય શહેરો અને જિલ્લા-તાલુકાઓમાં પણ લોકો હવે આ કાયદાની સાચી જાગૃતતા ફેલાવવા અને ખોટી ભ્રામકતાઓ દૂર કરવાના ઇરાદાથી માર્ગો પર ઉતરી આવ્યા છે અને જાગૃતિ કાર્યક્રમો યોજી રહ્યા છે. અમદાવાદ સહિત ગુજરાતભરમાંથી પોલીસ ઉપર અમદાવાદ, વડોદરા, બનાસકાંઠા સહિતના સ્થળોએ પોલીસ પર લઘુમતી સમાજ દ્વારા થયેલા પથ્થરમારા અને હુમલાના વિરોધમાં લોકોએ ભારે નિંદા કરી તેને વખોડી રહ્યા છે. લોકો દ્વારા પોલીસ પરના હુમલાના વિરોધમાં બેનરો અને સૂત્રોચ્ચાર સાથે કાર્યક્મ પણ યોજાઇ રહ્યા છે.
આજ રોજ અમદાવાદના ભુલાભાઈ પાર્ક વિસ્તારમાં સીએએના વિરોધ માટે તેમ જ પોલીસ પર શાહઆલમ સહિતના વિસ્તારોમાં પોલીસ પર પથ્થરમારો અને હુમલાની ઘટનાના વિરોધમાં સ્થાનિક જાગૃત નાગરિકો અને લોકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યા હતા અને સીએએના સમર્થનમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રેલી યોજી લોકોને સાથે આવવાનો અનુરોધ કર્યો હતો. લોકોએ સીએએ લાગુ કરો અને પોલીસ પરના હુમલાઓ બંધ કરો સહિતના જારદાર સૂત્રોચ્ચાર કરાયા હતા. આગામી દિવસોમાં વધુ જિલ્લા-તાલુકાઓમાં આ પ્રકારે લોકો સમર્થનમાં ઉતરી આવે તેવા સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે.