CAA અને NRCને રાજ ઠાકરેએ ટેકો આપ્યો
મુંબઇ, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ કેન્દ્ર સરકારના CAA અને NRCને ટેકો જાહેર કર્યો હતો. નવમી ફેબ્રુઆરીએ રાજ આ બંનેના સમર્થનમાં એક મેગા રેલી યોજશે એવી જાહેરાત પણ મનસે તરફથી કરવામાં આવી હતી. ભાજપ માટે આ એક સૂચક ઘટના છે કારણ કે મહારાષ્ટ્રમાં રાજના પિત્રાઇ ભાઇ ઉદ્ધવ ઠાકરેની કોંગ્રેસ તથા NCP સાથેની સરકાર છે અને કોંગ્રેસ તથા NCPએ CAA અને NRCનો ખુલ્લો વિરોધ કર્યો હતો.
રાજ ઠાકરે કેન્દ્રના આ બંને પગલાને ટેકો જાહેર કરે એનો અર્થ એ પણ થયો કે એ ઉદ્ધવ ઠાકરે કરતાં જુદો અભિપ્રાય ધરાવે છે. જો કે અત્યાર સુધી ઉદ્ધવે આ બંને મુદ્દે અકળ મૌન સેવ્યું છે કારણ કે એને પોતાની સરકાર ટકાવવા કોંગ્રેસ અને NCPની ગરજ છે. રાજના આ પગલાનું મહત્ત્વ એટલા માટે વધુ છે કે અત્યાર સુધી રાજ ઠાકરે કેન્દ્ર સરકારના જુદા જુદા નિર્ણયોની આકરી ટીકા કરતા હતા. હવે રાતોરાત અભિપ્રાય બદલે એનો એક સૂચક અર્થ એવો પણ થઇ શકે છે કે રાજ ઠાકરે હવે ભાજપની સાથે હાથ મિલાવવા તૈયાર છે. અત્યાર અગાઉ ઉદ્ધવ ઠાકરે અને શિવસેના ભાજપની સાથે હતાં. મહારાષ્ટ્રમાં સરકાર રચવાના મુદ્દે શિવસેના અને ભાજપ વચ્ચે મતભેદો થયા હતા. આખરે શિવસેનાએ કોંગ્રેસ અને NCPના ટેકાથી સરકાર રચી હતી. ભાજપ સાથેના પચીસ વર્ષના સંબંધો એક ઝાટકે તોડી નાખ્યા હતા.
પાકિસ્તાની અને બાંગ્લા દેશી ઘુસણખોરોને કાઢવાના મુદ્દે રાજ નવમી ફેબ્રુઆરીએ મુંબઇના શિવાજી પાર્કમાં એક મેગા રેલી યોજવાના છે. હવે જોવાનું છે કે રેલીની પરવાનગી રાજ્ય સરકાર અને મુંબઇ પોલીસ આપે છે કે નહીં. એ પણ જોવાનું છે કે રાજની મેગા રેલીને કેવોક પ્રતિસાદ મળે છે.