CAA : લોકજાગૃતિ માટે અમદાવાદમાં આજે કાર્યક્રમ
અમદાવાદ: કેન્દ્રના નિર્દેશાનુસાર હવે ગુજરાતમાં ભાજપ દ્વારા સીએએને લઇ લોકજાગૃતિ માટે આવતીકાલે સાબરમતી આશ્રમ ખાતે મહત્વનો કાર્યક્રમ યોજાશે. જેમાં ખુદ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિતના મહાનુભાવો હાજર રહેશે. સીએએના સમર્થનમાં, તેની લોકજાગૃતિ અને આ કાયદાને લઇ લોકોમાં જે ખોટી ભ્રમણાઓ રહેલી છે, તેને દૂર કરવા માટે યોજાઇ રહેલા આ કાર્યક્રમમાં પ્રબુધ્ધ નાગરિકો, સમાજસેવી, વેપારીઓ અને જાગૃત લોકો પણ જાડાશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં નાગરિકતા અધિકાર એક્ટ સામે થઈ રહેલા વિરોધને શાંત પાડવા માટે ભાજપ દ્વારા જનજાગૃતિ અભિયાનની સાથે અપપ્રચારને અટકાવવા માટેના કાર્યક્રમો યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ માટે ભાજપ દ્વારા આગામી દિવસોમાં રાજયના જિલ્લે જિલ્લે અને તાલુકે તાલુકે જનસંપર્ક અભિયાન, રેલી-સભા અને સહીઝુંબેશ છેડવામાં આવશે. ગઇકાલે નાગરિકતા અધિકાર એક્ટનો અપપ્રચાર અટકાવવા અને લોકોમાં જે ખોટી ભ્રમણાઓ પ્રવર્તી રહી છે
તેના નિવારણ હેતુસર ગુજરાત ભાજપના આગેવાનોની એક મહત્વની બેઠક મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની નેજા હેઠળ કમલમ ખાતે મળી હતી. જેમાં નાગરિકતા અધિકાર બિલ અંગેના કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા હતા.
બેઠકમાં જા કે, મુખ્યમંત્રીએ ભાજપના નેતાઓ અને આગેવાનોને તેમ જ સંગઠનના માણસોને સીએએને લઇ ટકોર પણ કરી હતી કે, તેમના દ્વારા આ સમગ્ર મામલે લોકજાગૃતિ ફેલાવાઇ નથી કે લોકો સુધી પહોંચી ખોટી ભ્રમણાઓ જાઇએ તે પ્રકારે દૂર કરાઇ નથી. મુખ્યમંત્રીએ એક રીતે ભાજપના નેતાઓ-આગેવાનો અને સંગઠનના માણસોને ટકોર કરી સીએએના સમર્થનમાં પૂરજાશથી લાગી જવા સ્પષ્ટ સંકેત આપી દીધો હતો.
આગામી દિવસોમાં ગુજરાતમાં પણ આ બીલની સચોટ જાણકારી પ્રજા સુધી પહોંચાડવા માટે ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનો વિવિધ તબક્કે કાર્યક્રમો કરશે. ભાજપ દ્વારા આગામી દિવસોમાં જનસંપર્ક અભિયાન, સભા, રેલી અને સહી ઝુંબેશ હાથ ધરાશે. વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રીને અભિનંદન પાઠવતી સહી ઝુંબેશ હાથ ધરી તેઓને મોકલાશે.