Western Times News

Gujarati News

GSTની સિસ્ટમમાંથી કરદાતાઓના ગુપ્ત ડેટા વેચાતા હોવાની ગંભીર ફરિયાદ

2B, 3B અને e-Way Billનો ડેટા ત્રણ મહિનાના પેકેજમાં વેચાય છે

‘ડેટા સોલ્યુશન’ નામની ગેંગ દિલ્હી, ગાઝિયાબાદ અને નોઈડામાં બેસીને સમગ્ર નેટવર્ક ચલાવી રહી હોવાની વાત પણ પત્રમાં કરવામાં આવી છે

સુરત,GST‌ની ઓનલાઈન સિસ્ટમમાંથી કરદાતાઓના ગુપ્ત ડેટા વેચાતા હોવાની ગંભીર ફરિયાદ થઈ છે. આવી ફરિયાદ સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્‌સ એસોસિએશન (CAAS) દ્વારા કેન્દ્રીય નાણામંત્રીને મોકલવામાં આવેલો પત્ર ચર્ચાનો વિષય બન્યો છે. આ પત્રમાં ગુડસ એન્ડ સર્વિસ ટેક્સ (GST‌) વ્યવસ્થાની ગંભીર ખામીઓ, કરદાતાઓના ગુપ્ત ડેટાના વેચાણથી લઈને રિફંડ વિલંબ અને અપ્રમાણભૂત દંડ સુધીના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક પ્રકાશ પાડવામાં આવ્યો છે. ‘ડેટા સોલ્યુશન’ નામની ગેંગ દિલ્હી, ગાઝિયાબાદ અને નોઈડામાં બેસીને સમગ્ર નેટવર્ક ચલાવી રહી હોવાની વાત પણ પત્રમાં કરવામાં આવી છે.

CAASના પ્રમુખ હાર્દિક કાકડિયાએ માહિતી આપતાં જણાવ્યું કે, હાલમાં GST‌ ડેટા બજાર ગેરકાયદે રીતે ખુબ જ મોટા પ્રમાણમાં સક્રિય છે. GST‌ સંબંધિત તમામ પ્રકારના ડેટાનું વેચાણ થઈ રહ્યું છે. તેમાં, GSTR-૧નો ડેટા રૂ. ૮,૦૦૦થી ૧૦,૦૦૦ સુધીમાં વેચાઈ રહ્યો છે, આ ડેટા પરથી એવું જાણવા મળે છે કે વેપારીએ કયા પાર્ટીને માલ વેચ્યો છે. એટલું જ નહીં 2B, 3B અને e-Way Billનો ડેટા ત્રણ મહિનાના પેકેજ રૂપે રૂ. ૧૫,૦૦૦માં વેચવામાં આવે છે.એસોસિયેશનના કાકડિયાએ વધુમાં ખુલાસો કર્યાે કે, આ સમગ્ર ડેટા વેચવાનું કામ “ડેટા સોલ્યુશન” નામની ગેંગ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે.આ ગેંગનું નેટવર્ક દિલ્હી, ગાઝિયાબાદ અને નોઈડા સહિતના વિસ્તારોમાં સક્રિય છે. “આ તમામ પેકેજોની વિગતો અને ડેટા વેચાણ સંબંધિત પુરાવા અમારા પાસે ઉપલબ્ધ છે”, તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે, જો વેપારીઓના વ્યાવસાયિક ડેટાનું પ્રોફાઈલિંગ ત્રીજા પક્ષ પાસે પહોંચી જાય તો કોઈપણ વ્યક્તિ બિઝનેસ કોપી કરીને સામ સામી સ્પર્ધા ઊભી કરી શકે છે.

બિઝનેસ માટેની ગુપ્ત માહિતી જાહેર થવી એ ગોપનીયતાનો ભંગ છે.આપણે એવી સ્થિતિ તરફ જઈ રહ્યા છીએ જ્યાં વેપાર કરવો સુરક્ષિત નહીં રહે, એવુ તેમણે ઉમેર્યું.CAASએ જણાવ્યું કે, તેઓએ આ મુદ્દા અંગે અગાઉ પણ ગુજરાત સરકારને જાણ કરી છે. જોકે, આ મામલો કેન્દ્ર સરકારના હસ્તક્ષેપ વિના ઉકલી શકે તેમ નથી. જો આ સમસ્યાઓનો ઉકેલ લાવવામાં નહીં આવે તો દેશ માટે તૈયાર કરાયેલો જીએસટી જેને “ગુડ એન્ડ સિમ્પલ ટેક્સ” ગણાવાય છે તે ભવિષ્યમાં એક નિષ્ફળ સાબિત થઇ શકે છે.CAASના પ્રવક્તાએ એવું પણ જણાવ્યું કે, અમે સરકાર પાસેથી માત્ર ખાતરી નહીં, પણ નક્કર પગલાંની અપેક્ષા રાખીએ છીએ. વેપારીઓને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે વાત અમારા પત્રમાં સ્પષ્ટ રીતે રજૂ કરવામાં આવી છે. જો આ સમસ્યાઓ પર તાત્કાલિક અને ગંભીર હસ્તક્ષેપ ન થાય, તો સમગ્ર વ્યવસ્થાની વિશ્વસનીયતા દાવ પર લાગી જશે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.