માણસાના ગ્રામ્ય વિસ્તારમાં કેબલ અને ઢોર ચોરતી ટોળકી સક્રિય

પ્રતિકાત્મક
કેબલ ખરીદીનું બિલ દુકાનમાંથી નહીં લેનારા ખેડૂતો પોલીસ ફરિયાદ કરી શકતા નથી
ગાંધીનગર, શિયાળાનો આરંભ થતાની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. તસ્કરોને કોઈનો ડર ન હોય તેમ ચોરીના એક પછી એક બનાવને અંજામ આપી રહ્યા છે. ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની સીમમાં આવેલા બોરકૂવા ઉપરથી કેબલ અને ખેતરમાં બાંધેલા ઢોર ચોરીને પલાયન થઈ જતી ટોળકી સક્રિય થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. કેબલ ખરીદ કર્યા બાદ દુકાનમાંથી બિલ નહીં લેનારા ખેડૂતો કેબલ ચોરીની ફરિયાદ પણ કરી શકતા ન હોવાની વિગતો સામે આવી છે.
તાજેતરમાં માણસા તાલુકાના દેલવાડા, આજાલ અને લોદરા સહિતના કેટલાક ગામના ખેડૂતોના બોરકૂવા પરથી અને ઓરડીમાંથી ઈલેકટ્રીક કેબલ ચોરાઈ ગયા હોવાના બનાવો બની રહ્યા હોવાની ફરિયાદ ઉઠી છે. કેટલાક કિસ્સામાં તો તસ્કરો જમીનમાંથી પસાર થતો કેબલ પણ જીપ જેવા વાહન દ્વારા ખેંચીને કાઢી જતા હોવાના બનાવો પણ સામે આવ્યા છે.
તેના પગલે ખેડૂત પરિવારોને ચોરીનો ભય સતાવી રહ્યો છે. તૈયાર થયેલો પાક પણ ક્યારેક ખેતરમાંથી કાપી જવાના બનાવોથી પણ ખેડૂતો ચિંતા અનુભવી રહ્યા છે, આવા બનાવોમાં સંડોવાયેલી ચોર ટોળકીને ઝડપી લેવા માટે ખેડૂતો દ્વારા માગણી કરવામાં આવી છે.
ગયા અઠવાડિયે બીલોદરા ગામની સીમમાંથી ખીલે બાંધેલી ભેંસની ચોરી થઈ હોવાનો બનાવ માણસા પોલીસ મથકમાં નોંધાયો હતો. બિલોદરાની સીમમાં વિજાપુર હાઈવે પર ફાર્મમાં પરિવાર સાથે રહેતા પ્રવિણગીરી ગોસ્વામીએ તેમની ગાયો અને ભેંસો માટે ઢાળિયું બનાવ્યું છે જેમાં ઢોર બાંધી રાખ્યા હતા ત્યારે રાત્રિના સમયે તસ્કરો ખીલે બાંધેલી ભેંસ ચોરી ગયા હતા.