નિરમા યુનિવર્સિટીમાં લિફટના વાયરોની ચોરી કરનાર ઝડપાયો
(એજન્સી)અમદાવાદ, શહેરના સોલા વિસ્તારમાં આવેલી નિરમા યુનિવર્સિટીમાંથી એક ચોર પકડાયો હતો. અહીંના સિકયોરિટી ગાર્ડ બિલ્ડીંગના સીસીટીવી તપાસી રહ્યા હતા ત્યારે ૧૪ માળની લિફટના કેમેરાની દિશા બદલાઈ ગઈ હતી જેથી તપાસ કરતાં ત્યાંથી એક શખ્સ મળતા તેને ઝડપી પાડયો હતો.
આ શખ્સની તપાસ કરતા તેની પાસેથી ચોરી કરેલા લિફટના કોપરના વાયરો મળી આવ્યા હતા. આ મામલે સોલા પોલીસે ગુનો નોંધી રોહિત જાટવની ધરપકડ કરી છે. રાણીપમાં રહેતા કૃષ્ણગોપાલ સંખવાર નિરમા યુનિવર્સિટી કેમ્પસમાં સિકયોરિટી ઓફિસર છે. ગત મંગળવારે સિકયોરિટી અરવિંદ પાટીલ એક શખ્સને પકડી લાવ્યો હતો.
આ શખ્સે ૧૪માં માળની બિલ્ડીંગની લિફટના સીસીટીવી કેમેરાની દિશા બદલી નાંખ્યા હોવાથી તેને સિકયોરિટી ઓફિસર પાસે લવાયો હતો. કૃષ્ણગોપાલે તેની તપાસ કરાવતા તેનું નામ રોહિત જાટવ (રહે.શિફોલ સોસાયટી, જગતપુર) હોવાનું સામે આવ્યું હતું સાથે તેની પાસેથી લિફટના ૩ કિલો કોપરના વાયરો મળી આવ્યા હતા.
જેથી વધુ તપાસ કરાતા આરોપી રોહિત ચોરીના ઈરાદે ધાબા, સીડી અને બેઝમેન્ટમાં પણ ગયો હોવાનું કેમેરામાં કેદ થયું હતું. આ મામલે સોલા પોલીસને જાણ કરાઈ હતી.