કુપોષણ પાછળ કરોડોનો ખર્ચો કર્યા પછી પણ 5 વર્ષમાં 18 હજારથી વધુ નવજાત બાળકોના મોત

પ્રતિકાત્મક
સીએજી રિપોર્ટમાં ખુલાસો થયો છે કે છેલ્લા પાંચ વર્ષમાં જન્મના ૨૪ કલાકની અંદર ૧૮,૨૩૧ નવજાત શિશુઓ મૃત્યુ પામ્યા છે
(એજન્સી)અમદાવાદ, કુપોષણ મુક્ત ગુજરાતનો નારો ગુંજારવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, કુપોષણ પર કરોડો રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે, પરંતુ બાળ મૃત્યુદરમાં કોઈ સુધારો થયો નથી. સીએજી રિપોર્ટમાં ખુલાસો થયો છે કે છેલ્લા પાંચ વર્ષમાં જન્મના ૨૪ કલાકની અંદર ૧૮,૨૩૧ નવજાત શિશુઓ મૃત્યુ પામ્યા છે. આ ઉપરાંત, ૮૩,૫૩૮ નવજાત શિશુઓ એક વર્ષ પણ જીવી શક્્યા નથી. આમ, ગુજરાત સરકાર કુપોષણને કાબુમાં લેવામાં ખરાબ રીતે નિષ્ફળ ગઈ છે.
ગુજરાતમાં માતાના પોષણના નામે લાખો કરોડ રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે, છતાં જન્મ સમયે ઓછું વજન અને અપૂરતી વૃદ્ધિ ધરાવતા કુપોષિત બાળકોની સંખ્યા વધી રહી છે. આ સાથે, નવજાત શિશુઓનો મૃત્યુદર પણ વધી રહ્યો છે જે ચિંતાનો વિષય બન્યો છે. ગુજરાત સરકારે ૫૦૯ કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે, છતાં આજે ગુજરાતમાં ૫.૪૦ લાખ બાળકો કુપોષિત છે.
પૂરતા આહાર-વિટામિનથી કુપોષણની ઘટનાઓમાં ઘટાડો થયો નથી. કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવી રહ્યું હોવા છતાં, કુપોષણ સામેની લડાઈમાં ગુજરાત અન્ય રાજ્યો કરતાં ઘણું પાછળ છે. સીએજી રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ૨૦૧૭-૧૮ થી ૨૦૨૨-૨૩ દરમિયાન જન્મના ૨૪ કલાકમાં મૃત્યુ પામેલા નવજાત શિશુઓની સંખ્યા ૧૮,૨૩૧ છે. આનો અર્થ એ થયો કે દર વર્ષે હોસ્પિટલમાં સરેરાશ ૩૦૦૦ શિશુઓ મૃત્યુ પામે છે. પાંચ વર્ષમાં, ૮૩,૫૩૮ નવજાત શિશુઓ સારવાર છતાં એક વર્ષ પણ જીવી શક્્યા નહીં.
ઓછા જન્મ વજન-અપૂરતી વૃદ્ધિને કારણે નવજાત શિશુઓ મૃત્યુ પામે છે. આ સમયગાળા દરમિયાન, ૮,૧૨,૮૮૬ નવજાત શિશુઓ જન્મ્યા જેનું વજન અઢી કિલોથી ઓછું હતું. જ્યારે માતાઓને પોષણયુક્ત ખોરાક મળતો નથી, ત્યારે કુપોષિત બાળકો જન્મે છે.
રાષ્ટ્રીય પોષણ મિશન માર્ગદર્શિકા ૨૦૧૭ અનુસાર, ઓછા જન્મ વજનવાળા શિશુઓના મૃત્યુ દરમાં કોઈ ઘટાડો થયો નથી. આજે પણ ગુજરાતમાં ૨.૫ કિલોથી ઓછા વજનવાળા નવજાત શિશુઓની ટકાવારી ૧૧.૬૩ છે. આમ, નવજાત શિશુઓનો મૃત્યુદર ચિંતાજનક દરે વધી રહ્યો છે, ત્યારે કુપોષણ મુક્ત ગુજરાતની કડવી વાસ્તવિકતાનું ચિત્ર સામે આવ્યું છે.
ગંભીર કુપોષણથી પીડાતા નવજાત શિશુઓને વધુ સારવાર આપવા માટે પોષણ પુનર્વસન કેન્દ્રો સ્થાપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઝ્રછય્ એ જણાવ્યું હતું કે સાત જિલ્લાઓમાં આવી કોઈ આરોગ્ય સુવિધા સ્થાપિત કરવામાં આવી નથી, જ્યારે શિશુ મૃત્યુદર ઘટાડવા માટે અરવલ્લી, બોટાદ, દ્વારકા, ગીર સોમનાથ, મહિસાગર, મોરબી અને પોરબંદરમાં પોષણ પુનર્વસન કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા નથી. કુપોષિત નવજાત શિશુઓની ઓળખ કરવામાં આવી હતી,
જેમાંથી ૮.૮૨ લાખ શિશુઓ ગંભીર કુપોષણથી પીડાતા હોવાનું જાણવા મળ્યું હતું. આરોગ્ય કર્મચારીઓએ શિશુઓના સ્વાસ્થ્યની તપાસ કરવા માટે ઘરે ઘરે જઈને તપાસ કરવાની હતી, પરંતુ ફક્ત ૯૪,૦૦૦ શિશુઓની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ૧.૬૩ લાખ શિશુઓને કુપોષણ સારવાર કેન્દ્રોમાં લઈ જવામાં આવ્યા હતા. આમ, શિશુઓના સ્વાસ્થ્યની તપાસમાં સંપૂર્ણ બેદરકારી દાખવવામાં આવી હતી.