વાઈબ્રન્ટના પગલે ગાંધીનગરમાં દબાણનો સફાયો કરવા અભિયાન
મ્યુનિ. તંત્રએ શહેરના સે.૭માં ઝુંપડાં અને કેબિન સહિતનાં દબાણ દૂર કર્યાં
ગાંધીનગર, વાઈબ્રન્ટ ગુજરાત સમિટના પગલે ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરના મુખ્ય માર્ગો ઉપરના દબાણનો સફાયો કરવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે ગુરૂવારે સવારથી શહેરના સેકટર-૭માં તંત્ર ત્રાટકયું હતું અને ઝુંપડા તેમજ કેબીન સહિતના દબાણ દૂર કરાયા હતા.
ગાંધીનગરના મહાત્મા મંદિર અને એકિઝબીશન સેન્ટર ખાતે તા.૧૦થી ૧ર જાન્યુઆરી ર૦ર૪ દરમિયાન વાઈબ્રન્ટ ગુજરાત સમીટનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે. એ તમામની સલામતીને લક્ષમાં લઈ કાયદો અને વ્યવસ્થા તેમજ ટ્રાફિક વ્યવસ્થા જાળવવા સમગ્ર તંત્ર કામે લાગ્યુ છે.
તેની સાથે ગાંધીનગર મ્યુનિ.તંત્ર દ્વારા શહેરના વિવિધ અને મુખ્યમાર્ગો ઉપર અનેતેની આસપાસની ખુલ્લી જગ્યામાં થયેલા દબાણો દૂર કરવા સમગ્ર દબાણ વિભાગને કામે લગાડી દીધુ છે. ગુરૂવારે સવારથી દબાણ ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓ બુલડોઝર સહિતના વાહનો અને સાધનો સાથે સેકટર-૭માં ઉમટી પડયા હતા અને ઝુંપડા તેમજ કેબીન સહિતના દબાણને હટાવી દેવા કાર્યવાહી આરંભી હતી.
ગાંધીનગર મ્યુનિ. સુત્રોના જણાવ્યા અનુસાર વાઈબ્રન્ટ સમિટમાં દેશ-વિદેશથી મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને વ્યવસાયકારોનું મોટી સંખ્યામાં આગમન થવાનું હોવાથી શહેરના માર્ગો ઉપર આવેલા અંડરપાસમાં રંગરોગાણ સહિત સુશોભનની કાર્યવાહી હાથ ધરવાની સાથે નડતરરૂપ દબાણો દૂર કરવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે આગામી ત્રણ-ચાર દિવસ ચાલુ રાખવામાં આવશે.