કેનેડામાં લગભગ ૭ લાખ વિદેશી વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં
કેનેડામાં સાત લાખ વિદેશી વિદ્યાર્થીઓ પર આફત -ભારતીયો પરત ફરે તેવી સ્થિતિ -વર્ષ ૨૦૨૫માં ૫૦ લાખ ટેમ્પરરી પરમિટની મુદત પૂરી થઈ રહી છે, જેમાંથી ૭ લાખ પરમિટ વિદ્યાર્થીઓની છે
ઓટ્ટાવા, કેનેડામાં જસ્ટિન ટ્રુડોની સરકાર ઈમિગ્રન્ટ્સને લઈને કડક હોવાનું જણાય છે. કેનેડામાં લગભગ ૭ લાખ વિદેશી વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં છે. કેનેડાના ઈમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે ગયા સપ્તાહની શરૂઆતમાં માહિતી આપી હતી કે, ૨૦૨૫ના અંત સુધીમાં કેનેડામાં લગભગ ૫૦ લાખ કામચલાઉ પરમિટ સમાપ્ત થવા જઈ રહી છે. એવામાં કેનેડિયન ઇમિગ્રેશનને આશા છે કે મોટાભાગના વિદેશી વિદ્યાર્થીઓ પરમિટ પૂરી થતા દેશ છોડી દેશે.
વર્ષ ૨૦૨૫માં ૫૦ લાખ ટેમ્પરરી પરમિટની મુદત પૂરી થઈ રહી છે, જેમાંથી ૭ લાખ પરમિટ વિદ્યાર્થીઓની છે. તાજેતરમાં ટ્રુડો સરકારે આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ પરમિટની સંખ્યામાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. વર્ષ ૨૦૨૪માં સ્ટુડન્ટ પરમિટમાં ૩૫ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
ત્યારબાદ ૨૦૨૫માં વધુ ૧૦ ટકાનો ઘટાડાનો કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જેના કારણે વિદ્યાર્થીઓને ફરીથી પરમિટ મેળવવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
ટેમ્પરરી વર્ક પરમિટ સામાન્ય રીતે ૯ મહિનાથી ૩ વર્ષ સુધી જારી કરવામાં આવે છે. તેમજ કેનેડામાં કાયમી વર્ક પરમિટ મેળવવા માટે ડિપ્લોમા કે ડિગ્રી કરેલા વિદેશી વિદ્યાર્થીઓને જરૂરી અનુભવ મેળવવા માટે આપવામાં આવે છે. આ પરમિટ અંગે મિલરે જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કેનેડામાં રહેવા માટે અરજી કરી રહ્યા છે, જે ચિંતાજનક છે. તેથી, અમે આ અરજીઓની કડક તપાસ કરીશું અને બનાવટી અરજદારોને બાકાત રાખીશું.’
કેનેડાના ઈમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે કહ્યું કે બધા અસ્થાયી પ્રવાસીઓને દેશ છોડવાની જરૂર નથી. તેના બદલે, કેટલાકને નવી પરમિટ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટ આપવામાં આવશે. કેનેડાના ઇમિગ્રેશન વિભાગના ડેટા અનુસાર, મે ૨૦૨૩ સુધીમાં ૧૦ લાખથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ કેનેડામાં હતા.
તેમાંથી ૩,૯૬,૨૩૫ પાસે ૨૦૨૩ના અંત સુધી પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ હતી પરંતુ કેનેડા હવે આ પરમિટ આપવામાં ખૂબ જ કડક બની રહ્યું છે. આના કારણે કેનેડાએ ૨૦૨૪માં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની પરમિટમાં ૩૫%નો ઘટાડો કર્યો હતો.
હવે ટ્રુડો સરકાર ૨૦૨૫ માં તેને વધુ ૧૦% ઘટાડવાની યોજના ધરાવે છે. જો કે ટ‰ડોના આ નિર્ણયનો તેમના જ દેશમાં વિરોધ થઈ રહ્યો છે. રૂઢિચુસ્ત નેતા પિયર પોઈલીવરે જસ્ટિન ટ્રુડોની નીતિઓની ટીકા કરતા કહ્યું છે કે તેનાથી અસ્થાયી રહેવાસીઓ માટે અનિશ્ચિતતા ઊભી થઈ છે અને તેનાથી દેશને નુકસાન થઇ રહ્યું છે. એ પણ કહ્યું કે વર્ષ ૨૦૨૫ના અંત સુધીમાં લગભગ ૫૦ લાખ અસ્થાયી રહેવાસીઓએ દેશ છોડવો પડી શકે છે. છેલ્લાં ઘણા સમયથી ટ્રુડો સરકાર કેનેડામાં વસતાં ભારતીયો વિરુદ્ધ નિર્ણયો લઈ સતત ચર્ચામાં છે. જેના પગલે હવે ભારત ઉપરાંત અન્ય દેશો પણ કેનેડા સરકારની ટીકા કરતાં થયાં છે.