કેનેડામાં ત્રણ હિંદુ મંદિરોમાં ચોરી-લૂંટફાટ
(એજન્સી)ટોરેન્ટો, કેનેડામાં હિંદુઓના ધાર્મિક સ્થળો પર અસામાજિક તત્વોના હુમલા જારી છે. ઓસ્ટ્રેલિયામાં જે રીતે મંદિરો પર હુમલા થયા છે તેવું જ કેનેડામાં પણ બન્યું છે. ઓક્ટોબર મહિનામાં કેનેડામાં ત્રણ હિંદુ મંદિરોમાં ચોરી અને લૂંટફાટની ઘટના બની છે. પોલીસે હજુ પણ ગુનેગારોને પકડ્યા નથી. મંદિરોમાં ચોરીની ઘટનાઓ ઓન્ટારિયોમાં બની હતી.
આ મંદિરોમાં રાખવામાં આવેલી દાનપેટીમાંથી કેશ ઉપાડી જવાઈ હતી તેવું સીસીટીવીમાં જાેવા મળે છે. કેનેડાની પોલીસે જણાવ્યું કે તે શકમંદોને પકડવા માટે પ્રયાસ કરે છે. ત્રણેય ચોરીની ઘટનાઓ ૮ ઓક્ટોબરે અમુક કલાકોના ગાળામાં જ બની હતી. મંદિરોમાં ચોરી કરનાર વ્યક્તિ એક જ હોવાનું જણાય છે.
તે પાંચ ફૂટ નવ ઈંચની ઉંચાઈ ધરાવતો હતો અને પગમાં તકલીફ હોવાના કારણે ટેકો લઈને ચાલતો હતો. ૮ ઓક્ટોબરે રાતે ૧૨.૪૫ વાગ્યે બેલી સ્ટ્રીટ અને ક્રોસ્નો બોલ્વર્ડમાં ચોરીની ઘટનાઓ બની હતી. એક વીડિયોમાં જાેવા મળે છે કે એક વ્યક્તિ મંદિરમાં પ્રવેશ કરે છે અને દાન પેટીમાંથી મોટી સંખ્યામાં રકમ ઉપાડી જાય છે.
ત્યાર પછી બ્રોક રોડ અને ડર્સન સ્ટ્રીટમાં પણ આવી જ રીતે મંદિરોમાં લૂંટફાટ કરવામાં આવી હોવાના અહેવાલ મળે છે. એક વ્યક્તિએ જણાવ્યું કે તેમણે એક વ્યક્તિને મંદિરમાં પ્રવેશતો જાેયો હતો. પરોઢિયે લગભગ ૨.૫૦ વાગ્યે પણ એજેક્સ ખાતે એક મંદિરમાંથી મોટી સંખ્યામાં ડોલરની ચોરી થતી જાેવા મળે છે.