G20 માટે ભારત આવેલા ટ્રુડોના વિમાનમાં કોકેઈન હતું
સુદાનમાં ભારતના પૂર્વ રાજદૂત દીપક વોહરાએ કહ્યું કે વિશ્વસનીય અફવાઓ હતી કે ઈન્વેસ્ટિગેટિવ ડોગ્સને વિમાનમાં કોકેઈન મળ્યું હતું. વોહરાએ સવાલ ઊઠાવ્યો કે ટ્રૂડો બે દિવસ સુધી હોટેલના રૂમથી બહાર કેમ ન આવ્યા જ્યારે તેમનું વિમાન બગડી ગયું હતું?
નવી દિલ્હી, ભારત સાથે તંગદિલીભર્યા સંબંધો વચ્ચે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો ઘેરાતાં જઇ રહ્યા છે. એક તરફ આતંકી નિજ્જર હત્યામાં ભારતની સંડોવણીનો આરોપ મૂક્યા બાદ તેઓ પુરાવા આપવામાં નિષ્ફળ રહ્યા છે ત્યાં બીજી બાજુ એક નાજીને કેનેડિયન સંસદમાં બોલાવી તેનું સન્માન કર્યા બાદ તે માફી માગવા મજબૂર થયા.
આ દરમિયાન એક નવો આરોપ એ લાગ્યો છે કે તેઓ જ્યારે જી૨૦ સમિટમાં ભાગ લેવા ભારત આવ્યા હતા ત્યારે તેમના વિમાનમાં કોકેઈન ભરેલું હતું.
સુદાનમાં ભારતના પૂર્વ રાજદૂત દીપક વોહરાએ કહ્યું કે વિશ્વસનીય અફવાઓ હતી કે ઈન્વેસ્ટિગેટિવ ડોગ્સને વિમાનમાં કોકેઈન મળ્યું હતું. વોહરાએ સવાલ ઊઠાવ્યો કે ટ્રૂડો બે દિવસ સુધી હોટેલના રૂમથી બહાર કેમ ન આવ્યા જ્યારે તેમનું વિમાન બગડી ગયું હતું?
તેઓ રાષ્ટ્રપતિ દ્વારા આમંત્રિત ડીનરમાં પણ નહોતા ગયા. વિશ્વસનીય સૂત્રોએ દાવો કર્યો હતો કે ટ્રૂડો બેભાન અવસ્થામાં પડી રહ્યા હતા.
વોહરાએ કહ્યું કે જસ્ટિન ટ્રૂડો ફ્રસ્ટેટેડ અને તણાવમાં હતા કેમ કે ૧૦ દિવસ પહેલાં જ તેમની પત્ની તેમને છોડી જતી રહી હતી. આ ઉપરાંત કેનેડાની ઈકોનોમી ડગમગી રહી છે. પૂર્વ રાજદૂતે કહ્યું કે કેનેડિયન વડાપ્રધાનની હરકતો સમજથી બહાર છે કેમ કે તે બોખલાઈ ગયા છે.
આ દરમિયાન ભારતીય મીડિયામાં આ અહેવાલો આવતા જ કેનેડિયન વડાપ્રધાનના કાર્યાલય (પીએમઓ)એ આ દાવાને ફગાવી દીધા હતા. પીએમઓએ કહ્યું કે ભારતના નિવૃત્ત રાજદ્વારી દ્વારા લગાવવામાં આવેલા આરોપો આધારવિહોણાં અને ખોટાં છે.