Western Times News

Gujarati News

આ કારણસર કેનેડામાં રહેતા ઇમિગ્રન્ટ ભારતીયોની મુશ્કેલીઓ વધી શકે છે

કેનેડાના PM ટ્રુડોની જાહેરાતથી ભારતીયો માટે મોટું સંકટ

(એજન્સી)ઓટાવા, છેલ્લા કેટલાક સમયથી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તણાવ આવ્યો છે. આ માટે ભારતે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને સંપૂર્ણપણે જવાબદાર ઠેરવ્યા છે. હવે, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ એક નવી જાહેરાત કરી છે. જે કેનેડામાં રહેતા ઇમિગ્રન્ટ ભારતીયો માટે મોટી મુશ્કેલીનું કારણ બની છે.

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે અમે કેનેડામાં વિદેશી કામદારોની સંખ્યામાં ઘટાડો કરવાના છીએ. જેણે ભારતીય ઇમિગ્રન્ટ્‌સ સામે એક મોટી મુશ્કેલી ઊભી કરી છે. ટ્રુડોએ પોસ્ટમાં આગળ લખ્યું કે, ‘અમે કંપનીઓ માટે કડક નિયમો લાવી રહ્યા છીએ, જેથી તેઓ સાબિત કરી શકે કે તેઓ પહેલા કેનેડાના કર્મચારીઓને કેમ નિયુક્ત નથી કરી શકતા.’

ભારતીય ઇમિગ્રન્ટ કામદારો અને વિદ્યાર્થીઓને પહેલેથી જ ઓછી પ્લેસમેન્ટ મળવાને કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અને ટ્રુડોની આ જાહેરાત પછી સ્થિતિ વધુ ખરાબ થશે.

વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની લિબરલ સરકાર ઘણા વર્ષો પછી પ્રથમ વખત દેશમાં આવતા ઇમિગ્રન્ટ્‌સની સંખ્યામાં મોટો ઘટાડો કરવા જઈ રહી છે. સીબીસી ન્યૂઝના એક અહેવાલ અનુસાર, જસ્ટિન ટ્રુડોએ ૨૦૨૫માં નવા કાયમી નિવાસીઓને ઘટાડીને ૩,૯૫,૦૦૦ કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે, ૨૦૨૫માં હંગામી ઇમિગ્રન્ટ્‌સની સંખ્યા ૩૦,૦૦૦ ઘટીને લગભગ ત્રણ લાખ રહી જશે.

કેનેડા ઘણા સમયથી પોતાના દેશમાં નવા લોકોનું સ્વાગત કરવા માટે જાણીતું રહ્યું છે. જ્યાં લોકો અભ્યાસથી લઈને નોકરીની શોધમાં પહોંચે છે. પરંતુ રોયટર્સના એક અહેવાલમાં જાણવા મળ્યું છે કે તાજેતરના કેટલાક વર્ષોમાં કેનેડામાં ઘરોની કિંમતોમાં નોંધપાત્ર વધારો થયો છે. જેના કારણે દેશમાં ઇમિગ્રન્ટ્‌સ અંગે નવી ચર્ચા શરૂ થઈ છે. અને આ કારણે દેશની વસ્તી પણ રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.