અમેરિકા હવે વિશ્વસનીય સાથી નથી રહ્યુંઃ કેનેડા

માર્ક કાર્નીએ બે સપ્તાહ સુધી ટ્રમ્પને ફોન નથી કર્યો
ટોરેન્ટો, કેનેડાના ઓટો મોબાઈલ્સ ઉપર ૨૫% ટેરીફ લાદવાની ટ્રમ્પે કરેલી જાહેરાત પછી વડાપ્રધાન માર્ક કાર્નીએ ગુરુવારે જણાવ્યું હતું કે તેઓ આ અંગે પ્રમુખ ટ્રમ્પ સાથે મંત્રણા કરશે. સામાન્ય શીરસ્તો તે છે કે વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યા પછી ટ્રમ્પના વડાપ્રધાન સૌથી પહેલા અમેરિકાના પ્રમુખ સાથે વાતચીત કરે છે.
પરંતુ વડાપ્રધાન પદે નિયુક્ત થયા પછી કાર્નીએ બે સપ્તાહ સુધી ટ્રમ્પ સાથે વાત કરી નથી. હવે તેઓ કહે છે કે આગામી એક બે દિવસમાં વાતચીત કરીશું. તે સર્વ વિદિત છે કે કેનેડાની કુલ નિકાસ પૈકી ૭૫ ટકાથી વધુ નિકાસ તો યુએસમાંજ થાય છે. તેથી ટ્રમ્પે લાદેલી ૨૫ ટકા ટેરીફથી કેનેડાને ભારે ફટકો પડે તેમ છે.
આ ઉપરાંત કેનેડાને ટ્રમ્પે અમેરિકાનું ૫૧મું રાજ્ય કહ્યું હતું તેથી માત્ર કેનેડાની સરકારને જ નહીં પરંતુ કેનેડાના જનસામાન્યને પણ ટ્રમ્પ સામે વાંધો પડી ગયો છે. તેઓ સ્પષ્ટ કહે છે કે, કેનેડાનું સ્વાતંત્ર્ય અને સાર્વભૌમત્વને આંચ આવે તો તે સામે લડી લેવા તૈયાર છે.
ઉલ્લેખનીય છે કે કેનેડાને અમેરિકા સાથે વ્યાપારી સંબંધો તો છે જ પરંતુ તે ઉપરાંત સંરક્ષણ ક્ષેત્રે પણ બંને દેશોને ગાઢ સંબંધો છે. તેમ છતાં માર્ક કાર્નીએ કહ્યું હતું કે અમેરિકા હવે વિશ્વસનીય સાથી નથી રહ્યું.
૨૮ એપ્રીલે કેનેડામાં સામાન્ય ચૂંટણી યોજાવાની છે ત્યારે પોતાના પક્ષ લિબરલ પાર્ટી વતી શરૂ કરેલી પ્રચાર ઝુંબેશમાં કેનેડાની સેન્ટ્રલ બેંકના આ પૂર્વ ગવર્નર ટ્રમ્પના વલણની આકરી ટીકા કરી હતી. બીજી તરફ હવે રહી રહીને ટ્રમ્પે ફોન દ્વારા વધુ વાતચીત કરવા જણાવ્યું હતું.