Western Times News

Gujarati News

નડિયાદના પરિવાર સાથે ૭૧.૦૬ લાખની કેનેડાના વર્ક પરમીટ વિઝાના નામે છેતરપિંડી

કેનેડાના વર્ક પરમીટ વિઝાના નામે યુવકના પત્ની,પુત્ર અને સાળા સાથે મોગરીના જ એક પરિવારના ચાર સભ્યોએ છેતરપિંડી આચરતાં ફરિયાદ

આણંદ,  નડિયાદ શહેરમાં રહેતા મૂળ મુંબઈના એક યુવક, તેની પત્ની, સાળો અને પુત્રના કેનેડાના વિઝા અપાવવાના નામે વિદ્યાનગર જનતા ચોકડી ખાતે કાલીકા પ્રોજેક્ટ ઇન્ડિયા નામની ઓફિસ ધરાવતા એક જ પરિવારના ચાર લોકોએ રૂ ૭૧.૦૬ લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ વિદ્યાનગર પોલીસમથકમાં નોંધાઈ છે.

નડિયાદ શહેરમાં પ્રમુખ વંદના ફ્લેટ કિડની હોસ્પિટલ સામે મુળ મુંબઈ બોરીવલી વેસ્ટના મૌલીક રાજેશભાઈ શાહના પત્ની વર્ષાબેને ગત સપ્ટેમ્બર ૨૦૨૩માં ત્રણ વર્ષના વર્ક પરમીટ વિઝા બાબતે કાલીકા પ્રોજેક્ટ ઇન્ડિયા નામની જાહેરાત જોઈને સંપર્ક કર્યાે હતો.

ત્યારબાદ ૨૧-૯-૨૦૨૩ના રોજ મૌલીક, વર્ષાબેન અને સાળો સમીરકુમાર ભાનુભાઈ બારોટ વિદ્યાનગર જનતા ચોકડી આવેલા હબ કોમ્પલેક્ષમાં કાલીકા પ્રોજેક્ટ ઇન્ડીયાની ઓફિસ ખાતે ગયા હતા. જ્યાં કેનેડાના વર્ક પરમિટ વિઝાની વાત કરતા સુનિલ મદનલાલ શેઠીયા શાહ(મોગરી)એ એક વ્યક્તિ દીઠ રૂ ૧૫ લાખ ખર્ચ થવાની વાત કરી હતી.

ત્યારબાદ તારીખ ૬-૧૧-૨૦૨૩ના રોજ સુનિલ શાહ અને તેની ઓફિસે મળતા સુનિલની પત્ની મયુરીબેન, પુત્ર ધાર્મિકકુમાર અને પુત્રવધુ મોનિકાબેન હાજર હતા. તેઓએ કેનેડાની મોર્ગન કંસ્ટ્રકશન એન્ડ એન્વાયરમેન્ટ લિ.નો ઓથોરિટી લેટર મળેલ છે. અને કંપનીનો એચઆરનો ઓથોરિટીનો લેટર બતાવી તેના વિડીયો સહિતની વિગતો આપી હતી.

જેથી વિશ્વાસ આવતા મૌલીક, પત્ની વર્ષાબેન તેમજ સાળા સમીરકુમારના વિઝા પ્રોસેસ કરવા માટે અલગ-અલગ તારીખે રૂ ૧૫ લાખ આપ્યા હતા.એ પછી ઓફર લેટર આવી ગયાનું જણાવી બીજા રૂ ૫ લાખ ઓનલાઈન મેળવી લીધા હતા. આ પછી તારીખ ૨૬-૧૨-૨૦૨૩ના રોજ પુત્ર ધૈર્યના પણ ડીપેન્ડન્ડ વિઝાનું કામ ચાલુ રહે તે માટે પ્રોસેસ ફી પેટે રૂ ૪.૨૫ લાખ માંગતા આરટીજીએસ મારફતે ટ્રાન્સફર કર્યા હતા.

અને વર્ક પરમીટ વિઝા માટેના ફોર્મમાં સહિઓ કરાવી ટૂંક સમયમાં વિઝા આવી જવાનો વિશ્વાસ આપ્યો હતો. તારીખ ૨૮-૧૨-૨૦૨૩ના રોજ મોર્ગન કંપનીનો ઈ-મેલ આવ્યો હતો જેમાં વિઝા પ્રોસેસ ચાલુ હોવાનું જણાવ્યું હતું. તારીખ ૯-૧-૨૦૨૪ના રોજ ઈમેલ કરીને વિઝા એપ્લિકેશન મંજુર થયેલ હોવાનું જણાવ્યું હતું. જેથી પીસીસીની વિધિ પતાવી હતી. તારીખ ૧૦-૧-૨૦૨૪ના રોજ સુનિલ શાહે વિઝાના કામઅર્થે દિલ્હી આવ્યો છું

પ્રોસેસ ફી મોકલી આપો તેમ કહીને બીજા રૂ ૧૫ લાખ આરટીજીએસ મારફતે મેળવી લીધા હતા. અને બીજા રૂ ૫ લાખ પણ મોકલી આપ્યા હતા.સુનિલ શાહે વર્ક પરમીટ વિઝા લેટ થયા હોવાથી ઓગસ્ટ ૨૦૨૪માં વિઝા થઈ જશે તેવુ ઇમેલ આઇડી પરથી જણાવ્યું હતું. જે બાબતે પૂછપરછ કરતા કોઈ જવાબ આપ્યો ન હતો. અને સુનિલની ઓફિસે મળવા જતા વીઝીટર ટુ વર્કપરમીટ વિઝા અપાવી દેવાની વાત કરીને ટુકડે ટુકડે રૂ ૨૧.૪૦ લાખ મેળવી લીધા હતા

તેમ છતાં પણ વર્ક પરમીટ વિઝાની કાર્યવાહી ન થતા કુલ આપેલા રૂ ૭૧.૦૬ લાખ પરત માંગણી કરતા કોઈ જવાબ આપ્યો ન હતો. મૌલીકભાઈએ તપાસ કરતા મોર્ગન કંપનીના ઓફર લેટરો, વિડિયો તથા ખોટા ઇમેલ આઇડી ઉપરથી ખોટા ઈમેલ મોકલીને છેતરપિંડી કરી હોવાનું જણાઈ આવ્યું હતું.

આ બનાવ અંગે મૌલીક રાજેશભાઈ શાહે વિદ્યાનગર પોલીસ મથકમાં સુનિલ મદનલાલ શેઠીયા, મયુરીબેન સુનિલકુમાર શેઠીયા, ધાર્મિક સુનીલકુમાર શેઠીયા, મોનિકાબેન ધાર્મીક શેઠીયા(રહે અન્નપૂર્ણા રેસીડેન્સી મોગરી જીટોડીયા રોડ મોગરી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.