Western Times News

Gujarati News

વર્ક પરમીટ સાથે પરિવારને કેનેડા મોકલવાના બહાને ૮.પ૮ લાખ ખંખેર્યા

વડોદરાની મહિલા સહિત ત્રણ સામે ગુનો નોંધાયો

મહેસાણા, મહેસાણાના પરિવારને વર્ક પરમીટ વીઝા અપાવી કેનેડા મોકલવાના બહાને રૂ.૮,પ૮,૬પ૦ ખંખેરી લઈ વડોદરા ખાતેની ઓફિસ બંધ કરી દઈ ઠગાઈ આચરનાર વડોદરાની બે મહિલા સહિત ત્રણ સામે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

મહેસાણાના ડેરી રોડ પર રહેતા મિતુલ શૈલેષભાઈ પટેલ હિંમતનગરની કંપનીમાં નોકરી કરે છે. બે વર્ષ પહેલાં તેમણે ફેસબુકમાં એકલે ધ ન્યુ કેસ ઓફ એજયુકેશન વડોદરા નામની વિઝીટ ટુ વર્ક કેનેડા પ્રોગ્રામ જાહેરાત જોઈ તેમાં આપેલા મોબાઈલ નંબર પર વાત કરી હતી.

વડોદરાના ગેન્ડા સર્કલે એટલેન્ટીસ માર્કેટમાં તેમની ઓફિસ હોવાનું કન્ફર્મ થતાં મિતુલે અમીબેન શાહને ફોન કરીને વાત કરતા પરિવાર સાથે કેનેડા જવાના રૂ.પ૦ હજાર રજિસ્ટ્રેશનના, વિઝા મળતાં રૂ.૩ લાખ અને ત્યાં ઉતર્યા પછી રૂ.૧.પ૦ લાખ તેમજ વર્ક પરમીટ મળેથી રૂ.૮ લાખ એમ કુલ રૂ.૧૩ લાખ આપવાનું નકકી કરાયું હતું.

મિતુલે વોટસએપથી તેમના તેમની પુત્રી અને પત્નીના ડોકયુમેન્ટ મોકલી આપ્યા હતા. મિતુલે રજિસ્ટ્રેશનના પૈસા ઓનલાઈન આપ્યા હતા. થોડા દિવસ બાદ વિઝા ફી પેટે રૂ.૩૪,૩પ૦ ટ્રાન્સફર કર્યા હતા. તેમના કહ્યા મુજબ તા.૧૮.૧૧.રરના રોજ મિતુલે પરિવાર સાથે અમદાવાદ પાલડી આશ્રમ રોડ પર વી.એફ.એસ સેન્ટરમાં જઈને ફિંગરપ્રિન્ટ આપી હતી. બાદમાં મૈત્રીબેન શાહે વોટસએપમાં પીડીએફ ફાઈલ મોકલીને વીઝા થઈ ગયા હોવાનું જણાવ્યું હતું.

જેથી તા.રર.૧ર.રરના રોજ ફરીથી મિતુલે ઉપરોકત સ્થળે જઈ ત્રણેયના વીઝા ઘરે આવી ગયા બાદ વડોદરા જઈને મૈત્રીબેન શાહ સાથે બેઠક કરી હતી, જયાં તેમણે ઓફિસના હેડ ખંતીલકુમાર શ્રવણકુમાર સંઘવી હોવાનું અને જે તેમને કેનેડા મોકલી આપવાના હોવાનું જણાવ્યું હતું. ઘરે આવી વધુ રૂ.પ.૧૦ લાખ આંગડિયા મારફત મોકલ્યા હતા.

બાદમાં ટિકિટ માટે રૂ.ર,૬૪,૩૦૦ મોકલ્યા હતા. તેમણે વોટસએપ પર ટિકિટ મોકલી હતી જેથી તા.૧૩.૩.ર૩ના રોજ મિતુલ પરિવાર સાથે મુંબઈ જવા નીકળતા ખંતીલ સંઘવીએ ફોન કરીને ટિકિટ કેન્સલ થઈ હોવાનું કહ્યું હતું. તા.ર૯.૩.ર૩ના રોજ ટિકિટ કન્ફર્મેશન વોટસએપમાં મોકલી આપ્યું હતું પરંતુ ખંતીલ ફોન ઉપાડતો નહોતો

અને વડોદરા જઈ તપાસ કરતાં ઓફિસ પણ બંધ થઈ ગઈ હતી. ખંતીલ સંઘવીના આધારકાર્ડવાળા સરનામે પણ તે નામનું કોઈ રહેતું નહોતું. કુલ રૂ.૮,પ૮,૬પ૦ની છેતરપિંડી અંગે મિતુલે ઉપરોકત ત્રણેય સામે મહેસાણા બી ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.