ભારત સાથે વાતચીત માટે કેનેડા દ્વારા થયેલી ઓફર
(એજન્સી)નવી દિલ્હી, ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યાને લઈને જાગેલા વિવાદ બાદ ભારતે અપનાવેલા આક્રમક વલણ સામે હવે કેનેડા ઢીલુઢસ થઈ ગયુ છે.
ભારતે તો કેનેડાના ૪૧ ડિપ્લોમેટસને દેશમાંથી રવાના થવાનો આદેશ આપ્યો છે.જેના કારણે બંને દેશો વચ્ચેનો ટકરાવ વધી શકે છે. આ પ્રકારની સ્થિતિ વચ્ચે કેનેડાના વિદેશ મંત્રી મેલોની જાેલીએ હવે ભારત સાથે પ્રાઈવેટ વાતચીત માટે ઓફર મુકી છે. તેમનુ કહેવુ છે કે, બંને દેશો વચ્ચેના તમામ મુદ્દાઓનો ઉકેલ આવે તે માટે પ્રાઈવેટ વાતચીત જરૂરી છે.
તેમણે કહ્યુ હતુ કે, અમે ભારત સરકારના સંપર્કમાં છે. કેનેડાના ડિપ્લોમેટ્સની સુરક્ષાને અમે બહુ ગંભીરતાથી લઈ રહ્યા છે. વ્યક્તિગત રીતે અમે વાતચીત ચાલુ રાખીશું અને મારુ માનવુ છે કે, રાજકીય મુદ્દા પર પ્રાઈવેટમાં થતી વાતચીત જ વધારે ઉપયુક્ત હોય છે.
આ નિવેદન પહેલા મંગળવારે ભારતે કેનેડાના ૪૧ ડિપ્લોમેટસને ૧૦ ઓક્ટોબર પહેલા દેશ છોડવાનો આદેશ આપી દીધો છે. આ સમયમાં જાે ડિપ્લોમેટસ દેશ નહીં છોડે તો ભારતે તેમની સુરક્ષાની જવાબદારીમાંથી હાથ અધ્ધર કરી દેવાની પણ ચીમકી આપી છે.
આ બાબતે હજી સુધી કેનેડા કે ભારતની કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી પણ મંગળવારે ટ્રૂડોએ કહ્યુ હતુ કે, ભારત સાથે અમે તણાવ વધારવા માટે વિચારી નથી રહ્યા. કેનેડા ભારત સાથે જવાબદારીપૂર્વક સબંધો સાચવવાનુ ચાલુ રાખશે. અમારી સરકાર કેનેડાના પરિવારોની મદદ માટે ભારતમાં ડિપ્લોમેટિક રીતે કાર્યરત રહેવા માંગે છે.