Western Times News

Gujarati News

કેનેડાની ભારતને બદનામ કરવાની યોજના પર પાણી ફરી વળ્યું

file

નવી દિલ્હી, કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ આરોપ લગાવ્યો છે કે ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ છે. તેમણે મંગળવારે કહ્યું કે આતંકીની હત્યા ભારતે કરી છે. હવે ભારત અને કેનેડામાં ડિપ્લોમેટિક સ્તરે લડાઈ શરૂ થઈ ગઈ છે.

ભારતની નીતિ રહી છે કે તે વિદેશમાં થઈ રહેલી કોઈ પણ ગતિવિધિને લઈને કડક પગલું ભરતું નથી. તે સ્થાનિક સરકારોને કાર્યવાહી કરવાનું કહે છે. કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ પોતાના ખાલિસ્તાન પ્રેમના પગલે આ નિવેદન આપ્યું છે. જેના કારણે બે દેશો વચ્ચે દાયકાઓથી ચાલી રહેલા મૈત્રીપૂર્ણ સંબંધો પ્રભાવિત થયા છે.

જસ્ટિન ટ્રૂડોના આરોપોનું પરિણામ એ નીકળ્યું કે ભારત અને કેનેડા વચ્ચે એક ડિપ્લોમેટિક યુદ્ધ છેડાઈ ગયું જેમાં ડિપ્લોમેટ્‌સનું નિષ્કાસન પણ થયું. બીજા બાજુ કેનેડા દ્વારા ભારતમાં રહેતા પોતાના નાગરિકો માટે એડવાઈઝરી પણ બહાર પાડવામાં આવી છે.

કેનેડાએ એવો દાવો કર્યો કે જેના કારણે તેના ભારત સાથેના સંબંધ પ્રભાવિત થયા. કેનેડા ઈચ્છતું હતું કે અમેરિકા સહિત તેના નીકટના સહયોગીઓ સાથે આવે અને ભારતની ટીકા કરે. વોશિંગ્ટન પોસ્ટના એક રિપોર્ટ મુજબ જસ્ટિન ટ્રૂડોની આ કોશિશ સફળ થઈ શકી નહીં. કારણ કે અનેક દેશોએ આ માંગણીથી પોતાના હાથ પાછા ખેંચી લીધા.

એક પશ્ચિમી અધિકારીના હવાલે કહેવાયું કે આ વર્ષ જૂનમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના મામલાને ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, યુનાઈટેડ કિંગડમ, અને અમેરિકાના અનેક સીનિયર ઈન્ટેલિજન્સ અધિકારીઓએ ઉઠાવ્યો હતો. સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં દિલ્હીમાં યોજાયેલી મેગા જી૨૦ સમિટમાં આ મામલાને જાહેર રીતે ઉઠાવાયો નહીં. જસ્ટિન ટ્રૂડોએ એવો દાવો કર્યો હતો કે તેમણે પીએમ મોદી સમક્ષ પણ આ મુદ્દાને ઉઠાવવાની કોશિશ કરી હતી.

શિખર સંમેલનના સમાપનના અઠવાડિયા બાદ કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રૂડોએ ભારત સરકાર પર એક ગંભીર આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે કેનેડાની ધરતી પર એક કેનેડિયન નાગરિકની હત્યા ભારતે કરી છે. કેનેડાના સહયોગીઓએ ભારત સાથે પોતાના સંબંધો સાચવવા માટે કેનેડાના નિવેદનથી અંતર જાળવ્યું છે.

અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયાએ જસ્ટિન ટ્રૂડો દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર ચિંતા તો વ્યક્ત કરી પરંતુ તપાસ પૂરી થતા પહેલા કોઈ ટિપ્પણી કરવાનું ટાળ્યું.

વ્હાઈટ હાઉસે કહ્યું કે અમે અમારા કેનેડિયન ભાગીદારોની સાથે નિયમિત સંપર્કમાં રહીએ છીએ. એ મહત્વપૂર્ણ છે કે કેનેડાની તપાસ આગળ વધે, અને અપરાધીઓને ન્યાયના ઘેરામાં લાવવામાંઆવે. લંડનમાં બ્રિટન સરકારના પ્રવક્તાએ કહ્યું કે અમે આ ગંભીર આરોપો વિશે અમારા કેનેડિયન સહયોગીઓ સાથે સંપર્કમાં છીએ. કેનેડિયન અધિકારીઓ દ્વારા ચાલી રહેલી તપાસ દરમિયાન ટિપ્પણી કરવી એ અયોગ્ય રહેશે.

ભારત સાથે વેપારવાર્તા પહેલાની જેમ ચાલુ રહેશે. ઓસ્ટ્રેલિયન વિદેશ મંત્રી પેની વોંગના પ્રવક્તાએ ક હ્યું કે કેનબરા કેનેડા દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર ચિંતિત છે. પ્રવક્તાએ કહ્યું કે અમે સિનિયર સ્તર પર ભારતને અમારી ચિંતાઓથી અવગત કરાવી દીધુ છે. આ બધા વચ્ચે ભારતે પોતાના પર લાગેલા આરોપોને પાયાવિહોણા અને પ્રેરિત ગણાવીને ફગાવી દીધા.

વિદેશ મંત્રાલયે મંગળવારે કહ્યું કે આ પ્રકારના પાયાવિહોણા આરોપ ખાલિસ્તાની આતંકીઓ અને ચરમપંથીઓ પરથી ધ્યાન હટાવવાની કોશિશ કરે છે. જેમને કેનેડામાં આશ્રય અપાયો છે. તેઓ ભારતની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડિતતા માટે જાેખમ બનેલા છે. આ મામલે કેનેડા સરકારની નિષ્ક્રિયતા લાંબા સમયથી નિરંતર ચિંતાનો વિષય રહી છે.

હરદિપ સિંહ નિજ્જરની જૂન ૨૦૨૩માં એક ગુરુદ્વારાની બહાર બે અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી. તે ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો પ્રમુખ હતો. તેને જુલાઈ ૨૦૨૦માં  ભારત તરફથી આતંકવાદી જાહેર કરાયો હતો.

૨૦૧૬માં નિજ્જર વિરુદ્ધ એક ઈન્ટરપોલ રેડ કોર્નર નોટિસ પણ બહાર પાડવામાં આવી હતી. સરેની સ્થાનિક પોલીસે પણ નિજજરને ૨૦૧૮માં અસ્થાયી રીતે ઘરમાં નજરકેદ કર્યો હતો. પરંતુ ત્યારબાદ તેને છોડી મૂકવામાં આવ્યો હતો.

૨૦૨૨માં પંજાબના જલંધરમાં એક હિન્દુ પૂજારીની હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ લાગ્યા બાદ નિજ્જર પર ૧૦ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. ભારતે અનેક વખત કેનેડામાં ખાલિસ્તાન સમર્થક સમૂહોની હાજરી અને ભારત વિરુદ્ધ ગતિવિધિઓ પર ચિંતા વ્યક્ત કરી છે. પહેલા પણ અલગાવવાદી નેતા કેનેડાની ધરતી પર ખાલિસ્તાની જનમત સંગ્રહ કરાવી ચૂક્યા છે. થોડા સમય પહેલા ખાલિસ્તાની પરેડ દરમિયાન એક રેલીમાં પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીની હત્યાના પોસ્ટર પણ લહેરાવવામાં આવ્યા હતા.

ભારતે ખાલિસ્તાનીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ કહ્યું કે કેનેડા હંમેશા અભિવ્યક્તિની સ્વતંત્રતા, વિવેકની સ્વતંત્રતા અને શાંતિપૂર્ણ વિરોધની સ્વતંત્રતાની રક્ષા કરશે. કેનેડાના ખાલિસ્તાન પ્રેમના કારણે ભારત સાથેના સંબંધો તેણે બગાડ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.