Western Times News

Gujarati News

કેનેડાની વસતીમાં વધારો થશે અને આર્થિક પ્રવૃત્તિ વધશે

નવી દિલ્હી, કેનેડામાં ગેરકાયદે ઘૂસેલા તથા વિઝા પૂરા થયા પછી પણ રોકાઈ ગયા હોય તેવા ઈમિગ્રન્ટની સંખ્યા બહુ મોટી છે. આવા લોકો માટે હવે સારા સમાચાર છે. આવા લોકો માટે કેનેડા સિટિઝનશિપનો રસ્તો ખોલવા જઈ રહ્યું છે.

કેનેડાના ઈમિગ્રેશન મંત્રી માર્ક મિલરે જણાવ્યું કે ગેરકાયદે ઈમિગ્રન્ટ્‌સ માટે સિટિઝનશિપનો રસ્તો ઉઘાડવામાં આવશે. કેનેડા આ માટે એક વિસ્તૃત પ્રોગ્રામ શરૂ કરશે. તેનાથી હજારો લોકોને કેનેડામાં કાયમી વસવાટની તક મળશે.

મિલરે એક મુલાકાતમાં જણાવ્યું કે કેનેડાએ બહુ મહત્ત્વાકાંક્ષી ઈમિગ્રેશન ટાર્ગેટ તૈયાર કર્યો છે. તેના ભાગરૂપે વર્ષ ૨૦૨૫ સુધીમાં તે પાંચ લાખ ઈમિગ્રન્ટ્‌સને કેનેડા લાવવા માંગે છે. તેનાથી કેનેડાની વસતીમાં વધારો થશે અને આર્થિક પ્રવૃત્તિ પણ વધશે.

અહીં અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટની સંખ્યા બહુ મોટી છે જેમાં સ્ટુડન્ટ્‌સ અને વર્કર્સ પણ સામેલ છે જેમના વિઝાની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં અહીં રોકાયેલા છે. એક અંદાજ પ્રમાણે કેનેડામાં હાલમાં ત્રણ લાખથી છ લાખ લોકો કાયદેસરના ડોક્યુમેન્ટ વગર રહે છે.

તેમની પાસે કોઈ ફોર્મલ સ્ટેટસ ન હોવાના કારણે તેમના પર હંમેશા ડિપોર્ટ થવાનો ખતરો રહે છે. હવે કેનેડા સરકાર જે સિટિઝનશિપ પ્રોગ્રામ શરૂ કરવાની છે તેમાં અહીં ગેરકાયદે ઘુસેલા લોકો ઉપરાંત જેઓ સ્ટુડન્ટ તરીકે અથવા વર્કર તરીકે કાયદેસર આવ્યા હતા અને વિઝાની મુદત પૂરી થવા છતાં અહીં જ રોકાઈ ગયા છે તેવા લોકોને પણ નાગરિક બનાવવામાં આવશે.

જાેકે, કેનેડામાં જેટલા ગેરકાયદો લોકો વસે છે તે બધાને સિટિઝનશિપ મળી જશે એવું નથી. કેનેડાના મંત્રીએ જણાવ્યું કે તાજેતરમાં જ જેઓ કેનેડામાં પ્રવેશ્યા છે એવા લોકોને કવર કરવામાં નહીં આવે.

આગામી દિવસોમાં કેનેડાની કેબિનેટમાં એક દરખાસ્ત મુકવામાં આવશે અને અગાઉથી જેઓ ગેરકાયદે આવી ગયા છે તેવા લોકોને સિટિઝનશિપ આપીને રેગ્યુલરાઈઝ કરવાની માંગણી કરવામાં આવશે. કેનેડામાં કેટલાક સમયમાં બહારથી બહુ મોટી સંખ્યામાં લોકો આવીને વસ્યા છે.

તેના કારણે અહીં હાઉસિંગની કટોકટી પેદા થઈ છે અને ફુગાવાનો દર પણ ઘણો વધી ગયો છે. આર્થિક બાબતોની ચિંતા હોવા છતાં સરકારે આગામી બે વર્ષ માટે હાલનું ઈમિગ્રેશન સ્ટેટસ જાળવી રાખવાનો ર્નિણય લીધો છે.

વર્ષ ૨૦૨૬થી કેનેડામાં ઈમિગ્રેશનમાં સતત વધારો કરવાનું બંધ કરી દેવામાં આવશે. વર્ષ ૨૦૨૩માં કેનેડામાં ૪.૬૫ લાખ નવા રહેવાસીઓ આવવાની શક્યતા છે અને ૨૦૨૪માં તેની સંખ્યા વધીને ૪.૮૫ લાખ સુધી પહોંચશે.

વર્ષ ૨૦૨૫માં કેનેડામાં પાંચ લાખ નવા વસાહતીઓ આવશે તેવી શક્યતા છે. ૨૦૨૬ સુધી આ રીતે નવા વસાહતીઓની સંખ્યા વધતી જશે, પરંતુ ત્યાર પછી તેના પર કન્ટ્રોલ મૂકવામાં આવશે. કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પણ બહુ મોટી છે.

તેવી જ રીતે અલગ અલગ સેક્ટરમાં ઘણા ભારતીય કામદારો કામ કરે છે જેમના વિઝાની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં તેઓ સ્વદેશ પાછા નથી આવ્યા કે વિઝાને એક્સ્ટેન્ડ પણ નથી કરાવ્યા. આવા લોકોને કેનેડામાં સિટિઝનશિપ મળી જાય તો તેમના માટે આ બહુ ફાયદાકારક પગલું ગણાશે. SS1SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.