Western Times News

Gujarati News

કેનેડામાં પંજાબીઓનું પ્રભુત્વ ઘટાડવા ચાર ગુજરાતી નેતાઓ મેદાનમાં

કમલા હેરિસ, કાશ પટેલ, સમીપ જોશી, કલ્પેન મોદી જેવા ઘણા ગુજરાતીઓ અમેરિકન રાજકારણમાં ટોચના હોદ્દા સુધી પહોંચ્યા છે.

કેનેડા, કેનેડાના રાજકારણની વાત આવે એટલે પંજાબીઓ યાદ આવ્યા વિના નથી રહેતા. ભારત બહાર પંજાબીઓની સૌથી વધુ વસ્તી જો ક્્યાંય હોય તો એ કેનેડામાં છે. પંજાબીઓ કેનેડાના દરેક ક્ષેત્રે અગ્રેસર છે, જેમાં રાજકારણનો પણ સમાવેશ થાય છે. હવે એક બીજો ભારતીય સમુદાય પણ કેનેડાના રાજકારણમાં પગરણ માંડી રહ્યો છે, અને એ સમુદાય છે ગુજરાતી.

એપ્રિલ મહિનાના અંતમાં કેનેડામાં સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણી અગાઉ ઓક્ટોબરમાં યોજાનાર હતી, પણ ડોનાલ્ડ ટ્રમ્પની અઘરી વિદેશ નીતિઓને કારણે ખોરવાઈ રહેલી અર્થ-વ્યવસ્થાને સંભાળવા માટે કેનેડાએ વહેલી ચૂંટણીઓ યોજી છે. ચાર ગુજરાતીઓ આ ચૂંટણીમાં ભાગ લેવા જઈ રહ્યા છે, જેમાં બે કેનેડાના ટોચના રાજકીય પક્ષના ઉમેદવાર છે જ્યારે કે બે અપક્ષ છે.

સંજીવ રાવલ – તાંઝાનિયામાં જન્મેલા સંજીવ રાવલ ૨૦ વર્ષથી વધુ સમયથી કેનેડામાં સ્થાયી છે. તેમની માલિકીના અનેક સ્ટોર્સ છે. તેઓ લિબરલ પાર્ટી વતી ચૂંટણી લડશે.

જયેશ બ્રહ્મભટ્ટ – વ્યવસાયે સિવિલ એન્જિનિયર એવા જયેશ બ્રહ્મભટ્ટ કેનેડાના રિયલ એસ્ટેટ ક્ષેત્રનું મોટું માથું ગણાય છે. તેઓ વર્ષ ૨૦૦૧ માં ભારતથી કેનેડા ગયા હતા. તેઓ પીપલ્સ પાર્ટીના ઉમેદવાર છે.

બાકીના બે ઉમેદવાર – અશોક પટેલ અને મિનેશ પટેલ – બંને ઉદ્યોગપતિ છે. તેઓ સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે. કેનેડામાં એક લાખથી વધુ ગુજરાતીઓ વસે છે. મોટાભાગના ટોરોન્ટો, ઓટાવા, વાનકુવર અને કેલગરી જેવા મોટા શહેરોમાં રહે છે. ગુજરાતી મૂળના લોકો ફાર્મા, હોસ્પિટાલિટી, રિટેલ, આઈટી અને ફાઈનાન્સ જેવા ક્ષેત્રોમાં સંકળાયેલા છે. કેનેડામાં ગુજરાતી વિદ્યાર્થીઓની સંખ્યા પણ મોટી છે. ત્યાં સ્થાયી થયેલી ભારતીય પ્રજાની વાત કરીએ તો વસ્તીની દૃષ્ટિએ પંજાબીઓ અને હિન્દીભાષીઓ પછી ગુજરાતી ત્રીજો સૌથી મોટો સમુદાય છે.

આમ તો ગુજરાતીઓ જે ક્ષેત્રમાં મેદાને પડે એ ક્ષેત્રમાં સફળ થઈને જ જંપતા હોય છે, પણ રાજકારણ જરા અઘરી પાટી છે. એના પર દરેકનો અક્ષર સાચો જ પડે એ જરૂરી નથી, ત્યારે સવાલ એ થાય કે, ચાર ગુજરાતી ઉમેદવાર પૈકીનું કોઈ કેનેડાની ચૂંટણીમાં જીતશે ખરું? છેલ્લા થોડા વર્ષોથી અમેરિકામાં ઘણાબધા ગુજરાતીઓ રાજકારણમાં સક્રીય થયા છે અને એમને સફળતા પણ મળી છે.

કમલા હેરિસ, કાશ પટેલ, સમીપ જોશી, કલ્પેન મોદી જેવા ઘણા ગુજરાતીઓ અમેરિકન રાજકારણમાં ટોચના હોદ્દા સુધી પહોંચ્યા છે. એમની સફળતા જોઈને કેનેડામાં દાયકાઓથી વસતા ગુજરાતીઓને પણ કેનેડાના રાજકારણમાં ઝુકાવવાની પ્રેરણા મળી હોય એવું બની શકે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.