ઉમેદવાર વૈભવી ગાડીને સસ્તી ગાડીના ભાડામાં દર્શાવશે તો ફોર્મ રદ થશે
ઉમેદવાર લગ્નના સ્ટેજ પર જશે તો ચૂંટણી પ્રચાર ખર્ચ ગણવામાં આવશે-મંદિરમાં પણ ઉમેદવારે ટોપી-ખેસ કાઢીને જવું પડશે
વડોદરા, વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણી અધિકારી દ્વારા જેવા ચૂંટણીનો ખર્ચ જે પ્રકારે ગણવામાં આવે છે તે રસપ્રદ રીતે બહાર આવ્યું છે. વિધાનસભાની ચૂંટણીમાં ઉભા રહેનાર પ્રત્યેક ઉમેદવારે કેટલો ખર્ચ કરવાનો અને તે ખર્ચ કયા પ્રમાણે ગણવાનો તેની પણ સ્પષ્ટ ગાઈડલાઈન આપવામાં આવી છે.
ઉમેદવારી ફોર્મમાં બજાર રેટ મુજબ મિલકતનો ભાવ ગણવાનો રહેશે. ૧૦ લાખમાં ખરીદેલા મકાનની જાે અત્યારે ર૦રરમાં કિંમત એક કરોડ થતી હોય તો તે મુજબ ગણવાની રહેશે. તે મુજબ જ્વેલરી પણ બજાર કિંમતે જાહેર કરવાની રહેશે. આ સાથે ખર્ચ માટેની ૪૦ લાખની મર્યાદામાં ચા-નાસ્તો, કાર્યાલય, ભાડાની ગાડી સહિતનો ખર્ચ બજાર ભાવથી ગણાશે.
વૈભવી ગાડીને સસ્તી ગાડીના ભાડામાં દર્શાવશે તો ફોર્મ રદ થઈ શકશે. જાે કોઈ ઉમેદવાર પોતાના પરિચિત, સ્વજન કે મિત્રના લગ્નના સ્ટેજ ઉપર જાય છે તો ચૂંટણી અધિકારી તેને પણ પ્રચાર તરીકે ગણી અને પ્રચાર ખર્ચમાં તેમની ગણતરી મુજબનો ખર્ચ ઉમેદવારના ખાતામાં નોંધી શકે છે.
ઉમેદવારે આવા સામાજિક કાર્યક્રમમાં સ્ટેજ પર જવાને બદલે પ્રસંગની બહાર જે તે વ્યક્તિને મળવાનું રહેશે. આ સાથે જાે મંદિરમાં જાય તો પોતાનો ખેસ અને ટોપી પણ બહાર કાઢવા પડશે, નહીં તો ઉમેદવારનું ફોર્મ રદ થઈ શકશે.