Western Times News

Gujarati News

અમરાઈવાડી બેઠક પર ભાજપના જગદીશ પટેલ અને કોંગ્રેસના ધર્મેન્દ્ર પટેલ વચ્ચે જંગ

મોડી રાત્રે ભાજપે વિધાનસભાની ખાલી પડેલી ૬ બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યાં : કોંગ્રેસમાં રાધનપુર અને ખેરાલુની બેઠક માટે ભારે કશ્મકશ  : ખાનગીમાં મેન્ડેટ અપાયાની ચર્ચા

(પ્રતિનિધિ) અમદાવાદ : ગુજરાત વિધાનસભાની (Gujarat Vidhansabha by election) ખાલી પડેલી ૬ બેઠકો માટેની પેટા ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસ સુધી કોંગ્રેસ (BJP & gujarat congress) બે બેઠકોના ઉમેદવારો આજ સવાર સુધી સત્તાવાર રીતે જાહેર કરી શકી નથી જયારે ભાજપે મોડી રાત્રે તમામ છ બેઠકોના ઉમેદવારો જાહેર કરી દીધા છે અને તેઓ આજે વરસાદના વિધ્ન વચ્ચે ઉમેદવારી પત્ર ભરવાના છે. આ તમામ છ મત વિસ્તારોમાં પસંદ કરાયેલા ઉમેદવારો શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી પત્ર ભરવાના છે ત્યારે પોલીસતંત્ર પણ અલર્ટ થઈ ગયું છે અને ચૂંટણીપંચ દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે.

આ અંગેની વિગત એવી છે કે છેલ્લે યોજાયેલી લોકસભાની ચુંટણીમાં ભાજપે કેટલાક ધારાસભ્યોને ટીકિટો આપી હતી આ ઉપરાંત કોંગ્રેસમાં કેટલાક ધારાસભ્યોએ પક્ષ સાથે છેડો ફાડતા કેટલીક બેઠકો ખાલી પડી હતી ચૂંટણીપંચે તાજેતરમાં મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો હતો અને તેમાં વિધાનસભાની ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી પણ જાહેર કરી હતી જેમાં ગુજરાત વિધાનસભાની છ બેઠકોનો સમાવેશ થાય છે. પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતાં જ વિવાદ થયો હતો કારણ કે અન્ય બેઠકોનો સમાવેશ નહી થતાં આ મુદ્દે કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા હતા.

ચૂંટણીપંચે કાર્યક્રમ જાહેર કરતા જ ગુજરાતમાં બે મુખ્ય હરીફ પક્ષો ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી જિલ્લા પ્રમુખોની પાસેથી સેન્સ લીધા બાદ સ્થાનિક મત વિસ્તારોમાં કાર્યકરો પાસેથી અભિપ્રાય મેળવવામાં આવ્યો હતો અને છેલ્લા બે દિવસથી બંને પક્ષોમાં ઉમેદવારોની પસંદગીને લઈ તબક્કાવાર બેઠકો યોજાઈ રહી હતી જાકે ઉમેદવારોના નામો જાહેર થાય તે પહેલા જ અનેક અટકળો સેવાતી હતી ગઈકાલે કોંગ્રેસે સૌ પ્રથમ ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા

જેમાં થરાદની બેઠક પરથી ગુલાબસિંહ, બાયડની બેઠકથી જશુભાઈ શિવાભાઈ અમરાઈવાડીની બેઠક પરથી ધર્મેન્દ્ર પટેલ અને લુણાવાડાની બેઠક પરથી ગુલાબસિંહ ચૌહાણનો સમાવેશ થાય છે. જયારે રાધનપુર અને ખેરાલુની બેઠકો માટે અનેક દાવેદારો હોવાથી આ બેઠકોના નામો જાહેર કરાયા ન હતાં.

આ દરમિયાનમાં મોડી રાત્રે ભાજપે તમામ ૬ બેઠકો માટે ઉમેદવારોના નામો જાહેર કરી દીધા છે થરાદની બેઠક પરથી જીવરાજભાઈ, રાધનપુરથી બેઠક પરથી અલ્પેશ ઠાકોર, ખેરાલુની બેઠક પરથી અજમલભાઈ ઠાકોર, બાયડની બેઠક પરથી ધવલસિંહ, અમરાઈવાડીની બેઠક પરથી જગદીશ પટેલ અને લુણાવાડાની બેઠક પરથી જીગ્નેશ સેવકનું નામ જાહેર કરવામાં આવ્યું હતું આ તમામ બેઠકોના નામો ભાજપે જાહેર કરી દીધા હતા જયારે કોંગ્રેસે બે બેઠકોના નામો બાકી રાખ્યા હતાં.

ચૂંટણીપંચે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે તેથી તમામની નજર કોંગ્રેસની બાકી રહેલી બે બેઠકો પરના નામો પર મંડાયેલી છે રાધનપુરની બેઠક પર કોંગ્રેસ દ્વારા રઘુ દેસાઈનું નામ નિશ્ચિત મનાઈ રહયું છે પરંતુ સામસામે ઉગ્ર રજુઆતોના કારણે તેમનું નામ જાહેર કરાયું નથી આ ઉપરાંત ખેરાલુની બેઠક પરથી પણ ઉમેદવારોની પસંદગીને લઈ કોંગ્રેસમાં ભારે ખેંચતાણ જાવા મળી રહી છે.

ભાજપે જાહેર કરેલા તમામ છ બેઠકોના ઉમેદવારોમાં રાધનપુરની બેઠક પરથી અલ્પેશ ઠાકોર અને બાયડની બેઠક પરથી ધવલસિંહને ટિકિટ આપી છે જે અગાઉથી જ નકકી હતું જાકે ભાજપના પૂર્વમંત્રી અને અગ્રણી શંકરભાઈ ચૌધરી પણ ટિકિટ માટે રેસમાં હતાં પરંતુ તેમને ટિકિટ નહી આપવામાં આવતા ભાજપના કાર્યકરોમાં ચર્ચાનો વિષય બન્યો છે જાકે આ અંગે હજુ સુધી કોઈ પ્રત્યાઘાત જાણવા મળ્યા નથી. કોંગ્રેસ અને ભાજપે છેલ્લા કેટલાક દિવસોના મંથન બાદ ઉમેદવારોના નામો જાહેર કર્યા છે

જાહેર કરાયેલા તમામ ઉમેદવારો આજે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે ઉમેદવારી નોંધાવવાના છે. ખાસ કરીને ભાજપના ૬ ઉમેદવારો આજે વિજય મુર્હૂતમાં ઉમેદવારી નોંધાવવાના છે આ સમયે અલ્પેશ ઠાકોર સહિતના ઉમેદવારો શકિત પ્રદર્શન કરવાના છે. અમદાવાદ શહેરની અમરાઈવાડી બેઠક માટે ભાજપે જગદીશ પટેલને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે

જેના પગલે ગઈકાલ મધરાતથી તેમના ઘરે ભાજપના ટેકેદારોનો ધસારો જાવા  મળ્યો હતો અને આજે સવારથી  શક્તિ  પ્રદર્શન સાથે તેઓ ઉમેદવારી નોંધાવે તેવી તૈયારીઓ કરવામાં આવી છે. જગદીશ પટેલ ૧ર.૩૯ મીનીટે વિજય મુર્હૂતમાં ઉમેદવારી નોંધાવવાના છે અને ત્યારબાદ કાર્યકરોને સંબોધવાના છે. આ સમયે ભાજપના કેટલાક આગેવાનો પણ ઉપસ્થિત રહેવાના છે. આ ઉપરાંત અન્ય પાંચ ઉમેદવારો પણ આજ રીતે ઉમેદવારી પત્ર ભરવાના છે.

સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા રાધનપુર અને ખેરાલુની બેઠક માટે ખાનગીમાં ઉમેદવારોને મેન્ડેટ આપી દીધો હોવાનું ચર્ચાઈ રહયુ છે અને તેઓ પણ આજે વિજય મુહુર્તમાં ઉમેદવારી પત્ર ભરવાના છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.