Western Times News

Gujarati News

પાટનગર ગાંધીનગર ૧૩.૪ ડિગ્રી ઠંડી સાથે ગુજરાતનું કોલ્ડેસ્ટ સિટી બન્યું

Files Photo

અમદાવાદમાં ઠંડીનો પ્રકોપ હળવો થયોઃ ૧૪.૭ ડિગ્રી ઠંડી નોંધાઈ

અમદાવાદ, શહેરીજનો માટે હાલનું ડબલ સિઝનનું વાતાવરણ બિમારીને આમંત્રણ આપે તેવું છે. વહેલી સવારે ઠંડીનો ચમકારો અને મોડી સાંજ પછી વાતાવરણમાં ફેલાતી ઠંડક અને બપોરના સમયગાળામાં જોવા મળતી ગરમીના લીધે વાઈરલ ઈન્ફેક્શનના કેસ સ્વાભાવિકપણે વધ્યા છે. જોકે આ ડબલ સિઝનના માહોલમાં આજે અમદાવાદમાં ઠંડીનો પ્રકોપ હળવો થયો હતો. શહેરમાં ૧૪.૭ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જે સામાન્ય કરતાં બે ડિગ્રી વધુ હતું.

સ્થાનિક હવામાન વિભાગની આગાહી મુજબ શહેર સહિત રાજ્યમાંથી ઠંડીનો પ્રકોપ ધીમે ધીમે હળવો થતો જવાનો છે. સોમવારે અમદાવાદમાં ૧૩.૯ ડિગ્રી ઠંડી નોંધાઈ હતી, તેની સામે આજે સવારે ઠંડીનું જોર વધુ ઘટ્યું હતું અને ૧૪.૭ ડિગ્રી ઠંડી પડી હતી. એટલે કે હવામાન વિભાગની આગાહી મુજબ શહેરમાં ઠંડીની તીવ્રતા ઓછી થતી જાય છે.

સવારે ઠંડાગાર પવનોની અસર જોવા મળી હતી, જેના કારણે હવામાનમાં ઠંડી જણાતી હતી. જોકે શહેરમાં ૨૯.૪ ડિગ્રી ગરમી નોંધાઈ હતી, જે સામાન્ય કરતા એક ડિગ્રી વધુ હતી. આમ દિવસ દરમિયાન એટલે કે બપોરના સમયગાળામાં શહેરમાં હવે ગરમીનો પારો ઊંચકાઈ રહ્યો છે એટલે બપોરે લોકો તાપ અનુભવી રહ્યા છે.

રાજ્યમાં આજે ગુજરાતનું પાટનગર ગાંધીનગર ૧૩.૪ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે કોલ્ડેસ્ટ સિટી બન્યું હતું. જ્યારે નલિયામાં ૧૫.૪ ડિગ્રી ઠંડી નોંધાઈ હતી, જે સામાન્ય તાપમાન કરતા ચાર ડિગ્રી વધુ હતી. નલિયામાં ગઈ કાલે ૧૩.૮ ડિગ્રી ઠંડી પડી તી. આની સાથે આજે ઠંડીની તીવ્રતામાં લગભગ દોઢ ડિગ્રી જેટલો ઘટાડો જોવા મળતા નલિયાવાસીઓએ આકરી ઠઁડી સામે વધુ રાહત મેળવી હતી.

સોમવારે રાજ્યનાં મોટાભાગનાં પ્રમુખ શહેરોમાં ગરમીનું પ્રમાણ ૩૦ ડિગ્રીની આસપાસ જોવા મળ્યું હતું. વલસાડમાં તો ગરમીનો પારો છેક ૩૨.૬ ડિગ્રીએ જઈને અટક્યો હતો. વેરાવળમાં ૩૧.૬, સુરતમાં ૩૦.૮, રાજકોટમાં ૩૦.૯, પોરબંદરમાં ૩૦.૬, દિવમાં ૩૦.૫, ગાંધીનગરમાં ૨૮.૯ ગરમી નોંધાઈ હતી.

આજે રાજ્યમાં અન્ય પ્રમુખ શહેરોમાં નોંધાયેલી ઠંડી તપાસતા વડોદરામાં ૧૪.૬, ભાવનગરમાં ૧૭.૨, ભુજમાં ૧૭.૪, દમણમાં ૧૪.૮, ડીસામાં ૧૪.૧, દિવમાં ૧૬, દ્વારકામાં ૨૧.૧, કંડલામાં ૧૯.૫, ઓખામાં ૨૧.૧, પોરબંદરમાં ૧૫.૯, રાજકોટમાં ૧૭.૨, સુરતમાં ૧૭.૫, સુરેન્દ્રનગરમાં ૧૭.૫, વલસાડમાં ૧૪.૨ અને વેરાવળમાં ૧૮.૭ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

દરમિયાન, સ્થાનિક હવામાન વિભાગની આગાહી જણાવે છે કે રાજ્યમાં આગામી ૪ ફેબ્રુઆરી સુધી હવામાન સૂકું રહેશે અને આગામી ચાર-પાંચ દિવસ સુધી ઠંડીના પ્રમાણમાં વિશેષ ઉલ્લેખનીય ફેરફાર થશે નહીં. બીજા અર્થમાં રાજ્યમાં આગામી દિવસોમાં પણ ઠંડીની તીવ્રતા ઓછી જણાશે તેમજ કમોસમી વરસાદની પણ કોઈ શક્યતા નજરે પડતી નથી.

આ દરમિયાન કેટલાક હવામાન નિષ્ણાંતોએ રાજ્યમાં ફરી માવઠું થવાની આગાહી કરી છે. આ હવામાન નિષ્ણાંતોની આગાહી મુજબ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.