Western Times News

Gujarati News

પાકિસ્તાન એશિયા કપમાંથી ફેંકાઈ જતા કેપ્ટન બાબરનું માથું શરમથી ઝૂકી ગયું

નવી દિલ્હી, પાકિસ્તાનની નબળી શરુઆત અને વરસાદના વિઘ્ન વચ્ચે ફખર ઝમાન, વિકેટકીપર મોહમ્મદ રિઝ્‌વાન અને ઈફ્તિકાર અહેમદના કારણે પાકિસ્તાન સન્માનજનક સ્કોર ઉભો કરી દીધો હતો. પરંતુ શ્રીલંકાને વરસાદના કારણે ફાયદો થઈ ગયો અને DLS મેથડથી ટીમને જીત આપવામાં આવી હતી.

આ સાથે જ પાકિસ્તાનનું ફાઈનલમાં પહોંચવાનું સપનું રોળાઈ ગયું છે. એશિયા કપ પાકિસ્તાને ગ્રુપ મેચ અને સુપર-૪માં ધમાકેદાર શરુઆત કરી પરંતુ ભારત સામેની હાર પછી આખું પલડું ફરી ગયું, સુપર-૪ની સેમિફાઈનલ જેવી સ્થિતિમાં પાકિસ્તાનની ફાઈનલમાં પહોંચવાની આશાઓ શ્રીલંકાએ ધરાશાયી કરી દીધી હતી.

કોલંબોના આર પ્રેમાદાસા સ્ટેડિયમમાં રમાયેલી સુપર-૪ રાઉન્ડની મેચમાં શ્રીલંકાએ છેલ્લા બોલે પાકિસ્તાનને હરાવી ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે, આ સાથે ૧૧મી વખત એશિયા કપની ફાઇનલમાં પ્રવેશ કરવાનો રેકોર્ડ બનાવી લીધો છે. વરસાદથી પ્રભાવિત આ મેચમાં પાકિસ્તાની ટીમે ૪૨ ઓવરમાં ૨૫૨ રન બનાવ્યા હતા.

જેના જવાબમાં શ્રીલંકાને છેલ્લા બોલ પર ૨ રનની જરૂર હતી અને સ્ટ્રાઈક પર આવેલા ચરિથ અસલંકાએ જમાન ખાનના બોલ પર ૨ રન લઈને ટીમને વિજય અપાવ્યો હતો. હવે ૧૭ સપ્ટેમ્બરે એશિયા કપ T૨૦ ડિફેન્ડિંગ ચેમ્પિયન શ્રીલંકા ફાઈનલમાં ભારત સામે ટકરાશે. પાકિસ્તાની ટીમની આ હારથી કેપ્ટન બાબર આઝમ ઘણો નિરાશ દેખાઈ રહ્યો હતો.

મેચ બાદ તેણે હારના બે કારણો દર્શાવ્યા. બાબરે કહ્યું, ‘આખરે અમે અમારા શ્રેષ્ઠ બોલરો સાથે બોલિંગ કરવાનો ર્નિણય કર્યો. તેથી મેં શાહીનને ૪૧મી ઓવર આપી અને પછી અમે છેલ્લી ઓવર માટે જમાન ખાન પર વિશ્વાસ કર્યો પરંતુ શ્રીલંકા સારી રીતે રમ્યું અને અમારા કરતા સારું રમ્યું, તેથી જ તેઓ જીતી ગયા.’ બાબર આઝમે વધુમાં કહ્યું, ‘અમારી બોલિંગ અને ફિલ્ડિંગ સારા નહોતા. અમે બંને ભાગમાં અમારી સંપૂર્ણ ક્ષમતા દર્શાવી નહોતી, તેથી અમે હારી ગયા.

વચ્ચેની ઓવરો મહત્વની હતી. અમે મધ્ય ઓવરોમાં ખરાબ બોલિંગ કરી, જેના કારણે અમારે નુકસાન સહન કરવું પડ્યું. અમે મેન્ડિસ અને સમરવિક્રમા વચ્ચે ભાગીદારીને ખીલવાની મંજૂરી આપી, જેના માટે અમારે કિંમત ચૂકવી પડી.

અમે સારી શરૂઆત કરી રહ્યા હતા અને સારી રીતે સમાપ્ત કરી રહ્યા હતા પરંતુ મધ્ય ઓવરોમાં વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યા હતા. શ્રીલંકાની જીતમાં કુશલ મેન્ડિસ અને ચરિથ અસલંકાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. મેન્ડિસે ૮૭ બોલમાં ૯૧ રનની ઇનિંગ્સ રમી હતી અને અસલંકાએ ૪૭ બોલમાં અણનમ ૪૯ રન બનાવ્યા હતા અને વિનિંગ રન તેના જ બેટથી આવ્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.