કેપ્ટન શિવાની તૈનાતી વિશ્વના સૌથી ઉંચા યુદ્ધક્ષેત્રમાં થઈ
નવી દિલ્હી, મહિલાઓ હવે દરેક ક્ષેત્રમાં પુરુષોના ખભાથી ખભો મિલાવીને આગળ વધી રહી છે. અત્યાર સુધી આપણે જાેયું કે મહિલાઓ ફાઈટર પાઈલટ પણ બને છે અને યુદ્ધ જહાજની કેપ્ટન પણ બની શકે છે.
સેનામાં મહિલાઓનું યોગદાન સમયની સાથે નોંધનીય રીતે વધી રહ્યું છે, જેનું ઉદાહરણ છે કેપ્શન શિવા ચૌહાણ. કેપ્ટન શિવા પહેલા એવા મહિલા છે જેમને દુનિયાના સૌથી ઉંચા અને ઠંડા યુદ્ધક્ષેત્ર સિયાચિનમાં તૈનાત કરવામાં આવ્યા છે. આટલુ જ નહીં, પહેલીવાર એવુ બનશે કે આગામી સપ્તાહમાં આયોજિત સ્પેશિયમ પ્રમોશન બોર્ડમાં ભારતીય સેનાના Combat Support Armsથી ૨૪૪ મહિલા અધિકારીઓને કર્નલનો રેન્ક આપવામાં આવશે.
એક અધિકારી જણાવે છે કે, ૧૦૮ મહિલાઓને કર્નલ(સિલેક્શન ગ્રેડ)નો રેન્ક આપવામાં આવશે. પહેલા એવુ હતું કે, જેમણે સેવામાં ૨૬ વર્ષ પસાર કર્યા હોય તેમને જ કર્નલ(ટાઈમ-સ્કેલ) રેન્ક આપાવમાં આવતો હતો. હવે વાત કેપ્ટન શિવાની કરીએ તો, ૧૫૬૩૨ ફૂટની ઉંચાઈ પર આવેલી કુમાર પોસ્ટ પર તેમને તૈનાત કરવામાં આવ્યા છે.
આ પહેલા સિયાચિન બેટલ સ્કૂલમાં તેમણે એક મહિના સુધી તાલીમ મેળવી હતી. આ તાલીમમાં બરફની દીવાલ પર ચઢવું, તોફાન આવે તો કેવી રીતે સામનો કરવો, બચાવ કેવી રીતે કરવો તેમજ મુશ્કેલ સમયમાં જીવ કેવી રીતે બચાવવો એ તમામ બાબતો શીખવાડવામાં આવે છે.
એક સીનિયર અધિકારી જણાવે છે કે, મે, ૨૦૨૧માં કેપ્ટન શિવા Corps of Engineersમાં સામેલ થયા હતા. તે ત્રણ મહિના સુધી સિયાચિનમાં વિવિધ એન્જિનિયરિંગ ટાસ્ક માટે ટીમનું નેતૃત્વ કરશે. કેપ્ટન શિવા ચૌહાણ મૂળ રાજસ્થાનના છે અને તેમણે જયપુરથી સિવિલ એન્જિનિયરિંગમાં બી.ટેકનો અભ્યાસ કર્યો છે. ત્યારપછી તેમણે ચેન્નાઈમાં ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમીમાં પ્રવેશ મેળવ્યો હતો.
જુલાઈ, ૨૦૨૨માં કેપ્ટન શિવાએ કારગિલ વિજય દિવસના અવસર પર સિયાચિન યુદ્ધ સ્મારકથી કારગિલ યુદ્ધ સ્મારક સુધી ૫૦૮ કિલોમીટરનું અંતર કાપીને સુરા સોઈ સાયકલિંગ અભિયાનનું નેતૃત્વ કર્યુ હતું. કેપ્ટન શિવા જ્યારે ૧૧ વર્ષના હતા ત્યારે તેમણે પિતાને ગુમાવ્યા. તેમના માતા ગૃહિણી હતા. તેમણે જ દીકરીના પ્રાથમિક અભ્યાસથી લઈને આર્મીમાં પહોંચવા સુધી તમામ જવાબદારી ઉઠાવી.
ઉલ્લેખનીય છે કે સિયાચિન ગ્લેશિયર પર તૈનાત થવું એ કોઈ હળવાશમાં લેવા જેવી બાબત નથી. ત્યાં સમય પસાર કરવો એ લોઢાના ચણા ચાવવા સમાન છે. એપ્રિલ ૧૯૮૪થી લઈને અત્યાર સુધી ૧૦૦૦થી વધારે ભારતીય સૈનિકોએ અહીં પોતાનો જીવ ગુમાવ્યો છે.
આમાંથી મોટાભાગના નિધન વાતાવરણને કારણે થયા છે. અહીં ઘણીવાર વાતાવરણ -૫૦ ડિગ્રી સેલ્યિસ થઈ જાય છે. તાજેતરના વર્ષોમાં અહીં જવાનોને વધારે સારી સુવિધા પૂરી પાડવામાં આવે છે, જેના કારણે મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો છે.
તમને જણાવી દઈએ કે અત્યારે ૧૭ મહિલા IAF ફાઈટર પાઈલટ્સ કાર્યરત છે જ્યારે ૧૪૫ મહિલા હેલિકોપ્ટર અને ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પાઈલટ્સ તૈનાત છે. તેમાંથી ૩૦ને તો યુદ્ધજહાજમાં ફ્રન્ટલાઈન પર તૈનાત કરવામાં આવ્યા છે.SS1MS