કચ્છમાં જાણે સ્વર્ગની અનુભૂતિ થાય તેવા મનમોહક દ્રશ્યો
કચ્છ, ચોમાસામાં કચ્છમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલે છે. વરસાદ બાદ કચ્છમાં જાણે સ્વર્ગની અનુભૂતિ થાય તેવા મનમોહક દ્રશ્યો ઠેર ઠેર જાેવા મળે છે. તેવામાં નખત્રાણાના નાની અરલ ગામ નજીક નદીની જમીન પર વિવિધ રંગો જાેવા મળ્યા હતા. ભુજના યુવક અભિષેક ગુસાઈએ રોડ ટ્રિપ દરમિયાન ડ્રોન કેમેરામાં આ અદભૂત નજારો કેદ કર્યો છે.
નદીના પટ પર પત્થરોમાં લાલ, વાદળી, નારંગી જેવા રંગ જાેવા મળતા લોકો આશ્રર્યમાં મુકાયા હતા. નદીના તટનો આકાશી નજારો મેઘરાજાએ વરસાદ રૂપી પીછીથી જાણે કેનવાસ પર ઓઈલ પેઈન્ટિંગ કર્યું હોય તેટલું મનમોહક લાગી રહ્યું છે. આ દ્રશ્ય જાણે પૃથ્વી નહીં ગુરૂ ગ્રહની જમીન હોય તેવું આભાસ થઇ રહ્યો છે. કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એનવાયરમેન્ટ સાયન્સ વિભાગના પ્રોફેસર ગૌરવ ચૌહાણે આ ઘટનાને આયર્નના લિચિંગ પ્રક્રિયા જણાવી હતી.
આ અગાઉ પણ કચ્છના માતાના મઢ પાસે મંગળ ગ્રહ જેવી ભૂમિ જાેવા મળી હતી. જેના પર સંશોધન કરવા માટે નાસાના વૈજ્ઞાનિકો પણ કચ્છની મુલાકાતે આવી ચૂક્યા છે.
આ વીડિયો પોતાના ડ્રોન કેમેરામાં કેદ કરનાર અભિષેક ગુસાઈએ જણાવ્યું હતું કે, “રોડની બાજુમાં જ્યાંથી આ નદી પસાર થઈ રહી હતી ત્યાં ઉતરીને મુલાકાત લેતા ત્યાં આવા વિવિધ આકર્ષક રંગો જાેવા મળ્યા હતા.
જ્યારે નરી આંખે આવા સુંદર દ્રશ્યો જાેવા મળ્યા ત્યારે આ દ્રશ્યોને આકાશી નજારા એટલે કે બર્ડવ્યુ તરીકે કેદ કરવા જ્યારે ડ્રોન કેમેરા ફ્લાય કરવામાં આવ્યું ત્યારે આ અદભુત નજારો સામે આવ્યો હતો. જેમાં જાણે કે કુદરતના કેનવાસ પર ઓઇલ પેઇન્ટિંગ કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે.
ડ્રોનના દ્રશ્યોમાં આસપાસના પથ્થરોનું નિર્માણ અને આ રંગો જાણે ગુરુ ગ્રહનો આભાસ કરાવે છે તેવું લાગ્યું હતું. કચ્છની ભૂમિ પર ક્યાં કારણોસર આવા રંગો બને છે, શા માટે પત્થરો પર આવા આકર્ષિત દ્રશ્યો જાેવા મળે છે, તે અંગે વાતચીત કરતા કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એનવાયરમેન્ટ સાયન્સ વિભાગના પ્રોફેસર ગૌરવ ચૌહાણે જણાવ્યું હતું કે,”નાની અરલ એટલે કે ધીણોધર ડુંગરની આસપાસ જુદાં જુદાં પ્રકારના પથ્થરો જાેવા મળે છે.
જેમાં મૃત જ્વાળામુખીની આસપાસના પથ્થરો પણ જાેવા મળે છે. અમુક જળભૃત ખડક પણ જાેવા મળે છે તો અમુક વિકૃત ખડકો જાેવા મળે છે. ધીણોધર ડુંગર છે તે જ્વાળામુખીના કાળા પથ્થરો ધરાવે છે. જ્યારે તેનો આસપાસ અન્ય જુરાસિક સમયના પથ્થરો જાેવા મળે છે. આ વીડિયોમાં જે રીતે લાલ રંગના, નારંગી રંગના, ચેરી રંગના ખડકો દેખાય છે, તે આયર્ન નામનું પથ્થરમાં જે કેમિકલ હોય છે તેના કારણે થાય છે. આ ઘટનાને આયર્નના લિચિંગ પ્રક્રિયા કહેવામાં આવે છે.
લાંબા ગાળે આયર્ન પથ્થરોમાં લિચિંગ થઈને ઘણી જગ્યાએ ફ્લો થાય અને એકત્રિત થાય ત્યારે પથ્થરોમાં અલગ-અલગ રંગો આપે છે. ક્યારેક પીળા ક્યારેક લાલ તો ક્યારેક કાળા રંગ આપે છે. જે જ્વાળામુખી હોય તેની અંદર આયર્ન ભરપૂર પ્રમાણમાં હોય છે, તો દરિયાઈ વિસ્તારના ખડકોમાં પણ આયર્ન ભરપૂર હોય છે. જેના કારણે હજારો વર્ષોના લિચિંગ પ્રક્રિયાના કારણે ખડકો પર આવા વિવિધ રંગો સાથેની રચના થતી હોય છે.”SS1MS