વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા શિવલિંગની કાર્બન ડેટિંગ કરવા માંગ
(એજન્સી)નવી દિલ્હી, વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ અને કાશી વિશ્વનાથ મંદિર વિવાદમાં એક નવી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં માગ કરવામાં આવી છે કે મસ્જિદમાં મળેલા શિવલિંગની એએસઆઈથી કાર્બન ડેટિંગ કરાવવી જાેઈએ. આનાથી તેની ઐતિહાસિકતા અને પ્રમાણિકતા સાબિત થઈ શકશે.
૭ હિંદુ મહિલાઓ તરફથી દાખલ અરજીમાં કહેવામાં આવ્યુ છે કે આનુ ગ્રાઉન્ડ પેનિટ્રેશન રડાર સર્વે પણ હોવુ જાેઈએ. આ મામલે સુનાવણી કરતા પહેલા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે જ્ઞાનવાપીમાં જ્યાંથી શિવલિંગ મળ્યુ છે. તેની સુરક્ષા કરવામાં આવે. આ સિવાય સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને આદેશ આપ્યો હતો કે તેઓ આગામી આદેશ સુધી કોઈ અન્ય સ્થળે વજુ કરે.
એડવોકેટ વિષ્ણુ જૈન દ્વારા મહિલાઓએ અરજી દાખલ કરી માગ કરી છે કે તેઓ શ્રી કાશી વિશ્વનાથ ટ્રસ્ટને આદેશ આપે કે તેઓ જ્ઞાનવાપીમાં મળેલા શિવલિંગને લઈ લે.
આ સિવાય જૂના મંદિરની બાજુમાં આવેલી જમીનનો કબજાે મેળવે. અરજીમાં કહેવામાં આવ્યુ છે કે ત્યાં વિરાજમાન શિંવલિંગના સમયની ગણતરી કરી શકાતી નથી. તેની પરિઘમાં આવતી ૫ કોસ જમીન પર મંદિરનો અધિકાર છે.
અરજી દાખલ કરનારી મહિલાઓમાંથી એક એડવોકેટ છે, એક પ્રોફેસર છે અને ૫ સામાજિક કાર્યકર્તા સામેલ છે. તેમણે પોતાની અરજીમાં કહ્યુ કે જ્ઞાનવાપીમાં મળેલા શિવલિંગની ઐતિહાસિકતાની જાણકારી માત્ર જીપીઆર સર્વે અને કાર્બન ડેટિંગથી જ મેળવી શકાય છે.
અરજીમાં કહેવામાં આવ્યુ છે કે પ્રાચીન કાશી વિશ્વનાથ મંદિરને તોડીને તેને મસ્જિદનુ સ્વરૂપ આપવામાં આવ્યુ હતુ. તે વકફની જમીન નથી. અરજીમાં મહિલાઓએ કહ્યુ કે જ્ઞાનવાપીમાં મળેલુ શિવલિંગ સ્વયંભૂ છે જ્યારે નવા મંદિર પરિસરમાં સ્થાપિત શિવલિંગ રાણી અહલ્યાબાઈ હોલકરના સમયનુ છે.
તેમનુ કહેવુ છે કે શ્રી કાશી વિશ્વનાથ મંદિર એક્ટ, ૧૯૮૩ હેઠળ નવા મંદિર પરિસર સિવાય પ્રાચીન મંદિરનો વિસ્તાર પણ આવે છે. આનો અર્થ એ છે કે શ્રદ્ધાળુ મુખ્ય પરિસરમાં પૂજા અર્ચના કર્યા સિવાય આસપાસના મંદિરો, સ્થાપિત પ્રતિમાઓની પણ પૂજા કરી શકે છે.