યુવાનવયે કાર્ડિયાક હુમલો, સુરતમાં એક દિવસમાં બે મોત

સુરત, સુરત શહેરમાં બેભાન થઈ ગયા બાદ મહિલા સહિત બેના મોતના બનાવમાં મહિધરપુરા ખાતે રહેતી મહિલાનું અચાનક બેભાન થઈ ગયા બાદ મોત નિપજ્યું હતું. બીજા કિસ્સામાં અમરોલી કોસાડ આવાસમાં રહેતા યુવકનું બેભાન થઈ ગયા બાદ મોત નિપજ્યું હતું.
સ્મીમેર હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ મહિધરપુરા ડાંગી શેરીમાં રહેતી ૩૪ વર્ષીય સ્વાતિબેન તેજસ કુમાર દૂધવાલા આજે સવારે ઘરે એકાએક ચક્કર ખાઈ ઢળી પડ્યા હતા. પરિવારજનો સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબિયત તેમને મૃત જાહેર કર્યા હતા. તેમના પતિ ગજેરા સ્કૂલમાં સ્કૂલ વાન ચલાવે છે. તેમને એક પુત્ર અને પુત્રી છે.
આ અંગે વધુ તપાસ મહિધરપુરા પોલીસ કરી રહી છે. બીજા બનાવમાં મૂળ ભાવનગરના વતની અને હાલમાં અમરોલી કોસાડ આવાસ ખાતે રહેતા ૩૧ વર્ષીય નિલેશ છના પરમાર ખાનગી કંપનીમાં સફાઈ કામ કરી પરિવારમાં પત્ની અને એક પુત્રને ત્રણ પુત્રીનું ગુજરાન ચલાવતા હતા. નિલેશભાઈ આજે સવારે ઘરે બેભાન થઈ ઢળી પડ્યા હતા.
પરિવારજનો તેમને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે વધુ તપાસ અમરોલી પોલીસ કરી રહી છે. બંનેના મોત હાર્ટ એટેકથી થયા હોવાની શક્યતા છે.SS1MS