ધો.૧૦ અને ધો.૧૨ પછીની કારકિર્દી વિષયક પ્રશ્નોનું નિરાકરણ આ વિશેષાંકમાં મળશે
કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક – ૨૦૨૪ પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદ ખાતેથી ખરીદી શકાશે-યુવાઓને રોજગાર અને કારકિર્દી ક્ષેત્રે માર્ગદર્શન મળી રહે તે હેતુથી ‘કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૪’ પ્રકાશિત
રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા પ્રકાશિત ‘ગુજરાત પાક્ષિક‘ અને ‘રોજગાર સમાચાર‘ અંગે સરકારના સુચારું પગલા
યુવાઓને રોજગાર અને કારકિર્દી ક્ષેત્રે માર્ગદર્શન મળી રહે તે હેતુથી પ્રતિવર્ષની પરંપરાની જેમ આ વર્ષે પણ રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા ‘કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૪’ પ્રકાશિત કરવામાં આવ્યો છે.
ધો.૧૦ અને ૧૨ પછી ઉપલબ્ધ અભ્યાસક્રમો, કોલેજો, યુનિવર્સિટીઓ, કારકિર્દીના વિવિધ વિકલ્પો, રોજગારી-સ્વરોજગારીની તકો, ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓના વિવિધ અભ્યાસક્રમો, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા અને ન્યૂ મીડિયા ક્ષેત્રમાં તકો અને બેન્કિંગ ક્ષેત્રમાં કારકિર્દી સહિતનું માર્ગદર્શન તેમજ યુ.પી.એસ.સી, જી.પી.એસ.સી સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિષયક માર્ગદર્શન ઉપરાંત પ્રેરણાદાયી લેખો પણ આ અંકમા સમાવવામાં આવ્યા છે.
કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક મેળવવા માટે પ્રાદેશિક માહિતી કચેરી પોલીટેકનિક કેમ્પસ, અમદાવાદ ખાતેથી રૂ.૨૦/- ની કિંમતે વહેલા તે પહેલાના ધોરણે મેળવી શકાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા મહિનામાં બે વખત ગુજરાત પાક્ષિક તેમજ દર અઠવાડિયે રોજગાર સમાચાર પ્રકાશિત કરવામાં આવે છે. જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ઉપયોગી માહિતી તથા સામાન્ય નાગરિકને ઉપયોગી નીવડે તે મુજબની સરકારની યોજનાલક્ષી માહિતીનો સમાવેશ હોય છે. આ પાક્ષિક અને રોજગાર સમાચારનું લવાજમ પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ ખાતે ભરી શકાય છે.
અંકો ઉપલબ્ધ હોય તો વિદ્યાર્થીઓને નિ:શુલ્ક પણ પૂરા પાડવામાં આવે છે. જે કોઈ વિદ્યાર્થીઓ ઘરે બેઠા ગુજરાત પાક્ષિક અને રોજગાર સમાચાર મેળવવા ઈચ્છતા હોય તો તેઓએ ગુજરાત પાક્ષિકનું વાર્ષિક લવાજમ રૂપિયા 50/- અને રોજગાર સમાચારનું વાર્ષિક લવાજમ રૂપિયા 30/- ભરીને ઘરે બેઠા સરકારની આ સેવાનો લાભ મેળવી શકે છે.