ઝઘડિયા ચાર રસ્તા નજીક રોડ પર ઉભા રહેતા પશુઓથી લોકો પરેશાન
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જિલ્લાના મહત્વના તાલુકા મથક ગણાતા ઝઘડિયાના ચાર રસ્તા પરથી અંકલેશ્વર – રાજપીપલા વચ્ચેનો સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પસાર થાય છે.આ માર્ગ ચોવીસ કલાક વાહનોની રફતારથી ધબકતો રહેતો માર્ગ છે.
ઝઘડિયાના ચાર રસ્તા પરથી પસાર થતાં આ ધોરીમાર્ગ પર ચાર રસ્તા નજીક રોડ પર ગાય જેવા પાલતુ પશુઓ અડિંગો જમાવીને બેસી રહેતા હોવાથી વાહનચાલકો ભારે યાતના ભોગવી રહ્યા છે.રોડની વચ્ચે આ પશુઓ ચારપાંચના ઝુંડમાં અડિંગો જમાવીને બેસી રહેતા જોવા મળે છે.
પાલતું પશુઓના માલિકો તેમના પશુઓને જાહેરમાં છુટા મુકી દેતા હોવાથી આ સમસ્યા સર્જાય છે.રોડ પર આડેધડ બેસી રહેતી ગાયોને લઈને કોઇવાર મોટો અકસ્માત થવાની પણ સંભાવના જણાય છે.ત્યારે ગ્રામ પંચાયત તેમજ સ્થાનિક પોલીસ આ સમસ્યાનો હલ લાવવા અસરકારક પગલા ભરે તેવી માંગ સ્થાનિક લોકોમાં દેખાઈ રહી છે.
તાલુકા મથક ઝઘડિયાના ચાર રસ્તા વિસ્તારમાં પોતાના પાલતુ પશુઓને છુટા મુકી દઇને ટ્રાફિક સમસ્યા માટે જવાબદાર બનતા પશુપાલકો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તોજ આ તકલીફ દુર થાય તેમ છે.ત્યારે જવાબદાર તંત્ર આ બાબતે તરત કોઇ જરૂરી કાર્યવાહી કરે તે જરૂરી છે.