CBIના PI તરીકેની ઓળખ આપી લોકોને ઠગનારા વિરૂધ્ધ વધુ એક ફરીયાદ
(પ્રતિનિધિ) અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં રહેતા એક ભેજાબાજ ગઠીયાએ પોતાની સીબીઆઈ ગાંધીનગરના પીઆઈ તરીકેની ઓળખ આપીને અનેક લોકોને પીઆઈ અને પીએસઆઈ બનાવી દેવાની લાલચ આપી ઠગી લીધા હોવાની ઘટના બની છે. આ ગઠીયા પાસે છેતરાયેલા નરોડાના વધુ બે યુવાનોએ પણ તેનીસામે પોતાને પીઆઈ બનાવવાના બદલે રૂપિયા અગીયાર લાખ ઠગી લીધા હોવાની ફરીયાદ નોંધાવી છે.
નરોડા, મધુવન પાર્ક સોસાયટીમાં રહેતા હસમુખભાઈ બચુભાઈ પ્રજાપતિ નામનો યુવાન વર્ષ ર૦૧૦માં તેમના સાળાની મારફતે મોલીકસિહં રાણાના પરીચયમાં આવ્યો હતો આ મૌલીકસિંહ પોતે ગાંધીનગર સીબીઆઈમાં પીઆઈ તરીકે ફરજ બજાવતો હોવાની ઓળખ આપી પોતે સીબીઆઈમાં પીઆઈ કે પીએસઆઈની પોસ્ટીંગ કરાવી શકે છે તેમ બધાને જણાવતો હતો
જેથી હસમુખભાઈ અને તેમના એક મિત્રએ પીઆઈ બનવાની ઈચ્છા ધરાવતા મૌલિકે રૂપિયા અગિયાર લાખનો ખર્ચ જણાવ્યો હતો. મૌલિકે રૂપિયાના બદલામાં પરીક્ષા આપ્યા વગર જ સીધા પીઆઈ બનાવી દેવાની તથા મનપસંદ સ્થળે પોસ્ટીંગની લાલચો આપી હતી જેના કારણે તે વાતોમાં આવી ગયા હતા. જાકે ટુકડે ટુકડે રૂપિયા અગિયાર લાખ મેળવ્યા બાદ મૌલિકસિંહ રાણા (રહે. શુભમ ગેલેક્ષી, હરીદર્શન ચાર રસ્તા, નિકોલ) અચાનક ગાયબ થઈ ગયો હતો
જેની શોધખોળ કરવા છતાં તે મળી આવ્યો ન હતો દરમિયાન હસમુખભાઈને મૌલિકસિંહ રાણા ડોગરેસીયાએ અનેક લોકોને પીઆઈ બનાવવાના નામે ઠગ્યા હોવાના સમાચાર જાણવા મળતા તેમણે તપાસ ચલાવી હતી. બાદમાં પોતે આપેલા રૂપિયા તથા વ્યવહારોના પુરાવા એકત્રિત કરીને તેમણે પણ ગઠીયા મૌલિકસિંહ રાણા વિરૂધ્ધ છેતરપીંડીની ફરીયાદ નોંધાવી છે.