Western Times News

Gujarati News

26 રેલવે અધિકારીઓની પેપર લીક કેસમાં CBIએ ધરપકડ કરી

નવી દિલ્હી, સીબીઆઇએ પૂર્વ મધ્ય રેલવેમાં વિભાગીય પરીક્ષાના પેપર લીક કેસનો પર્દાફાશ કરતાં ૨૬ રેલવે અધિકારીઓની ધરપકડ કરી છે.

સીબીઆઈએ આ મામલે ૮ અલગ અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આમાંથી રૂ.૧.૧૭ કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. સીબીઆઈએ જણાવ્યું હતું કે, મુઘલ સરાઈ ખાતે ચીફ લોકો પાયલટના પદ પર બઢતી માટે વિભાગીય પરીક્ષાના પેપર લીક કરવાના આરોપમાં સોમવારે રાત્રે રેલવે અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી.

આ પરીક્ષા મંગળવારે યોજાવાની હતી. તપાસ દરમિયાન મુગલ સરાઈ ખાતે મધ્યરાત્રિએ (૩-૪ માર્ચ) ત્રણ સ્થળોએ, કુલ૧૭ ઉમેદવારો પાસેથી હાથથી લખેલા પ્રશ્નપત્રોની ફોટોકોપી મળી આવી હતી.સીબીઆઈના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, હાલમાં લોકો પાઇલટ તરીકે કામ કરી રહેલા તમામ ૧૭ વિભાગીય ઉમેદવારોએ પ્રશ્નપત્ર માટે પૈસા ચૂકવ્યા હતા અને દરોડા દરમિયાન તેઓ નકલો સાથે રંગે હાથે પકડાયા હતા.

એકંદરે, આ કેસમાં અત્યાર સુધીમાં ૨૬ રેલવે અધિકારીઓ (૧૭ ઉમેદવારો સહિત)ની ધરપકડ કરવામાં આવી છે.એજન્સીએ એક સિનિયર ડિવિઝનલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર (ઓપરેશન્સ) વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે, જેમને ઉપરોક્ત પરીક્ષા માટે પ્રશ્નપત્ર સેટ કરવાની અને તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

તેમણે પોતે પ્રશ્નો અંગ્રેજીમાં લખ્યા હતા અને કથિત રીતે તે એક લોકો પાઇલટને આપ્યા હતા, જેણે તેનો હિન્દીમાં અનુવાદ કર્યાે અને પછી બીજા અધિકારીને આપ્યા હતા. આ અધિકારીએ કથિત રીતે તે પ્રશ્નો કેટલાક અન્ય રેલવે કર્મચારીઓ દ્વારા ઉમેદવારોને આપ્યા હતા. ધરપકડ કરાયેલા અધિકારીઓમાં આરોપી સિનિયર ડિવિઝનલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર (ઓપરેશન્સ)નો પણ સમાવેશ થાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.