CBSE ધોરણ ૧૨માં ૯૦ મિનિટનું પ્રશ્નપત્ર રહેશે
અમદાવાદ: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ)ની ધોરણ ૧૨ની પરીક્ષાને લઈને કેંદ્રના શિક્ષણ વિભાગે દેશના તમામ રાજ્યોના શિક્ષણમંત્રીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં બોર્ડની પરીક્ષા માટે બે વિકલ્પો પર ચર્ચા કરવામાં આવી હતી. આ બે વિકલ્પો પૈકી મોટાભાગના રાજ્યો ૯૦ મિનિટના પ્રશ્નપત્રથી પરીક્ષા લેવાના વિકલ્પ માટે સંમત થયા હોવાની માહિતી મળી છે. આમ, સીબીએસઈની ધોરણ ૧૨ની પરીક્ષા બહુવિકલ્પ પ્રકારના અને ટૂંકા જવાબી પ્રશ્નોના આધારે દોઢ કલાકમાં પૂર્ણ થાય તે પ્રકારના પેપરથી પરીક્ષા યોજવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ ઊભી થઈ છે. આ મુદ્દે આગામી દિવસોમાં સત્તાવાર જાહેરાત થઈ શકે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કેંદ્ર સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રવિવારે દેશના તમામ રાજ્યોના શિક્ષણમંત્રીઓ સાથે વિડીયો કૉન્ફરન્સના માધ્યમથી સીબીએસઈ બોર્ડની ધોરણ ૧૨ની પરીક્ષા યોજવા અંગેના વિવિધ વિકલ્પો પર ચર્ચા કરવામાં આવી હતી.
જેમાં બે વિકલ્પો પર ગહન ચર્ચા થઈ હોવાનું સામે આવ્યું છે. પ્રથમ વિકલ્પ તરીકે હાલની ત્રણ કલાકના સમયગાળાની પરીક્ષા પદ્ધતિથી વર્ણનાત્મક સ્વરૂપની પરીક્ષા યોજવી અને તે માટે પરિણામ જાહેર કરવા સુધીના સમયગાળાની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે બીજા વિકલ્પ તરીકે નિયત કરેલા અભ્યાસક્રમના બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નો અને ટૂંકા જવાબી પ્રશ્નોના માળખાને ધ્યાનમાં લઈને ૯૦ મિનિટમાં પેપર પૂરું થાય તે પ્રકારે પરીક્ષા યોજવાના વિકલ્પની ચર્ચા થઈ હતી.
જાેકે, આ બેઠકમાં પરીક્ષાને લઈને અંતિમ ર્નિણય લેવામાં આવ્યો નહોતો. ત્યારબાદ હવે તમામ રાજ્યોએ બોર્ડના બે વિકલ્પો પૈકી બીજા વિકલ્પ પર પસંદગી ઉતારી હોવાનું સામે આવ્યું છે. જેમાં રાજ્યો દ્વારા ધોરણ ૧૨ના મુખ્ય ૧૯ જેટલા વિષયોની પરીક્ષા ૯૦ મિનિટના પ્રશ્નપત્ર દ્વારા લેવા માટે જણાવ્યું હતું. ૯૦ મિનિટના પ્રશ્નપત્રમાં બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નો અને ટૂંક જવાબી પ્રશ્નો પૂછવામાં આવશે. આમ, મોટાભાગના રાજ્યો બીજા વિકલ્પ પર એકમત થયા હોવાનું બહાર આવ્યું છે. આ અંગેની સત્તાવાર જાહેરાત થોડા દિવસોમાં કરવામાં આવી શકે છે.
જાેકે, આ મીટિંગમાં તમામ રાજ્યો સહમત થયા હોય તેવું પણ નથી. દિલ્હી, પંજાબ અને પશ્ચિમ બંગાળ દ્વારા પરીક્ષાનો વિરોધ કરવામાં આવ્યો છે. આ રાજ્યોના કહેવા અનુસાર, જ્યાં સુધી પરીક્ષા આપનારા તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને વેક્સીન ન અપાય ત્યાં સુધી તેમની પરીક્ષા ન લેવી જાેઈએ. આ ઉપરાંત બિહાર, આસામ અને ઉત્તરાંખડે ચોમાસુ પૂર્ણ થાય પછી પરીક્ષા લેવી જાેઈએ તેવો મત વ્યક્ત કર્યો હતો. આ રાજ્યોમાં પૂરની શક્યતાના પગલે ચોમાસાની સીઝન પૂરી થાય ત્યારબાદ પરીક્ષા યોજવાની માગ કરી છે. અમુક રાજ્યોને બાદ કરતાં બાકીના બધા જ રાજ્યો પરીક્ષા માટે સહમત થયા હોવાથી કેંદ્ર સરકાર દ્વારા આ અંગેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે, તેમ સૂત્રોનું કહેવું છે.