અમદાવાદના ન્યુસન્સ પોઈન્ટ અને સ્મશાનગૃહોમાં CCTV ઇન્સ્ટોલ કરવામાં આવશે
રૂ.4.5 કરોડના ખર્ચે 450 કેમેરા લગાવવામાં આવશે : દેવાંગ દાણી
( દેવેન્દ્ર શાહ દ્વારા ) અમદાવાદ, અમદાવાદ શહેર ને સ્વચ્છ અને રળિયામણું બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા અનેક યોજનાઓ નો અમલ કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં કેટલાક લોકો જાહેરમાં કચરો ફેંકી ન્યુસન્સ સ્પોટમાં વધારો કરે છે.
આવા લોકોને પકડવા માટે તંત્ર ઘ્વારા વિવિધ ન્યુસન્સ સ્પોટ પર સી.સી.ટી.વી. ઈન્સ્ટોલ કરવામાં આવશે. આ ઉપરાંત ચાર સ્મશાનગૃહ માં પણ સી.સી.ટી.વી. લગાવવામાં આવશે જેના માટે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન દેવાંગ દાની ના જણાવ્યા મુજબ શહેરમાં આવેલ ન્યુસન્સ પોઈન્ટ પર CCTV કેમેરા ઇન્સ્ટોલ કરાવવા સ્ટેન્ડીંગ કમિટી દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું. આ અંગે ઇ-ગવર્નન્સ ખાતા દ્વારા ન્યુસન્સ પોઈન્ટ પર CCTV કેમેરા ઇન્સ્ટોલ કરવા ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી.
મ્યુનિસિપલ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કરવામાં આવેલ સર્વે મુજબ કચરાના ઢગલાના ૩૦૦ ન્યુસન્સ પોઈન્ટ અને સ્મશાન ગૃહો ખાતે ૧૫૦ એમ કુલ મળી ૪૫૦ કેમેરા ઇન્સ્ટોલ કરવા જરૂરિયાત મુજબના અન્ય લોકેશન પર મળી કુલ ૪૫૦ CCTV કેમેરા ઇન્સ્ટોલ કરાવવા મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી આપવામાં આવી છે. જેના પેટે અંદાજિત ૪.૫ કરોડનો ખર્ચ થશે..
સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જે ન્યુસન્સ સ્પોટસ દર્શાવવામાં આવ્યા હતા તે પૈકી ખાતે ૧૦૦થી વધુ સ્પોટ તેમજ સ્મશાન ગૃહો ખાતે ૭૦ એમ કુલ મળી ૧૭૦ કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવશે. આ ઉપરાંત ઓઢવ, રામોલ, નરોડા અને ઠક્કરબાપાનગર ના સ્મશાનગૃહ માં સી.સી.ટી.વી. ઇન્સ્ટોલેશનની કામગીરી હાલમાં ચાલુ છે.
ન્યુસન્સ સ્પોટ્સ ખાતે સી.સી.ટી.વી. કેમેરા ઇન્સ્ટોલ કરવાથી જાહેર માર્ગો પર ન્યુસન્સ થતું રોકી શકાશે, અને સ્વચ્છતા જાળવવાના તેમજ રોગચાળો ફેલાતો રોકવાના અ.મ્યુ.કોના અભિયાનને વધુ વેગ મળશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.