ગુજરાતના આ શહેરમાં ગંદકી રોકવા CCTVનો ઉપયોગ
(એજન્સી)સુરત, સુરત શહેરમાં ગંદકી રોકવા માટે સીસીટીવી કેમેરાનો ઉપયોગ શરૂ કર્યો છે. સુરત શહેરમાં ૨૫૦૦ જેટલા સીસીટીવી કેમેરા છે પરંતુ પાલિકાએ ૨૦૦ ન્યુસન્સ પોઈન્ટ ઓળખી કાઢ્યા છે અને તેનાથી સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.
૧૨ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં આ કેમેરાની આંખે ૧૫૭૦ લોકોને કેમેરામાં કેદ કર્યા છે પરંતુ તેમાંથી હજી ગંદકી કરી ન્યુસન્સ ફેલાવતાં ૮૬૩ લોકોને જ ઓળખી કાઢ્યા છે અને તેમની પાસેથી ૭૦ હજાર રૂપિયાનો દંડ પણ વસુલ કરવામાં આવ્યા છે.
ભારતના સ્વચ્છતા સર્વેક્ષણમાં છેલ્લા ત્રણ વર્ષથી સુરત પાલિકા દેશમાં બીજા નંબરનું સ્વચ્છ શહેર બને છે પરંતુ તેને પહેલા નંબરનું શહેર બનાવવા માટે પાલિકા તંત્ર જડબેસલાક આયોજન કરી રહી છે. પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ હાલમાં શહેરની સ્વચ્છતા પર ભાર મુકી રહ્યાં છે. મ્યુનિ. કમિશ્નરની સુચના બાદ ૧૨ ડિસેમ્બરથી સીસી કેમેરાનો ઉપયોગ કરીને ગંદકી કરનારાઓને શોધીને તેમને પાઠ ભણાવવામાં આવી રહ્યા છે.