CDS બિપિન રાવતને પદ્મવિભૂષણ; સુંદર પિચાઈ, સત્યા નડેલા, સાયરસ પૂનાવાલાને પદ્મભૂષણ

નવી દિલ્હી, કેન્દ્ર સરકારે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ મંગળવારે પદ્મ એવોર્ડની જાહેરાત કરી. આ વખતે ચાર મહાનુભાવોને પદ્મવિભૂષણ સન્માન આપવામાં આવ્યાં છે. જેમાં 3 લોકો એવા છે જેમને મરણોપરાંત આ સન્માન આપવામાં આવશે. પદ્મવિભૂષણ મેળવનારમાં CDS જનરલ બિપિન રાવત, ભાજપના નેતા કલ્યાણ સિંહ, ગીતા પ્રેસ ગોરખપુરના અધ્યક્ષ રહેલા રાધેશ્યામ ખેમકા (ત્રણેયને મરણોપરાંત) અને શાસ્ત્રીય ગાયિકા પ્રભા અત્રેનું નામ સામેલ છે.
આ સાથે જ કોંગ્રેસના નેતા ગુલામનબી આઝાદ, માઈક્રોસોફ્ટના CEO સત્યા નડેલા, ગૂગલના પેરેન્ટલ કંપની આલ્ફાબેટના CEO સુંદર પિચાઈ, પશ્ચિમ બંગાળના વરિષ્ઠ કોમ્યુનિસ્ટ નેતા બુદ્ધદેવ ભટ્ટાચાર્ય અને દેશની કોરોના વેક્સિન બનાવનાર ભારત બાયોટેકના ફાઉન્ડર કૃષ્ણા એલ્લા- સુચિત્રા એલ્લા તેમજ સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ના પ્રમુખ સાયરસ પૂનાવાલાને પદ્મભૂષણથી સન્માનિત કરવાની જાહેરાત કરાઈ છે.
આ સાથે જ ઓલિમ્પિયન નીરજ ચોપડા, ગાયક સોનૂ નિગમ, પ્રમોદ ભગત અને વંદના કટારિયાને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ વખતે 17 લોકને પદ્મભૂષણ અને 107 લોકોને પદ્મશ્રી પુરસ્કાર આપવાની જાહેરાત કરાઈ છે. આ રીતે કુલ 128 લોકોને પદ્મ સન્માન આપવાની જાહેરાત કરવામાં આવી છે.