Western Times News

Gujarati News

CEAMAની એની 40મી વાર્ષિક કોન્ફરન્સ નવી દિલ્હી ખાતે યોજાઈ

~વાર્ષિક કોન્ફરન્સની થીમ ચેમ્પિયન્સ ઓફ ચેન્જઃ ઇમ્પેક્ટ ઓફ ઇન્ક્રીઝ ડોમેસ્ટિક મેનુફેક્ચરિંગ હતી તથા ઉદ્યોગ સાથે સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ

દિલ્હી, એપ્લાયન્સિસ અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ (ACE) ઉદ્યોગ માટેની સર્વોચ્ચ ઉદ્યોગ સંસ્થા કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ એપ્લાયન્સિસ મેનુફેક્ચરર્સ એસોસિએશન (CEAMA)ની 40મી વાર્ષિક કોન્ફરન્સ સંપન્ન થઈ હતી, જેની થીમ “ચેમ્પિયન્સ ઓફ ચેન્જઃ ઇમ્પેક્ટ ઓફ ઇન્ક્રીઝ ડોમેસ્ટિક મેનુફેક્ચરિંગ” હતી.

જ્યારે આ પ્રસંગે રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય ફાઇનાન્સ અને કોર્પોરે અફેર્સ મંત્રી આદરણીય શ્રી અનુરાગ ઠાકુર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત હતાં, ત્યારે MEITYનાં સેક્રેટરી શ્રી અજય પ્રકાશ સાહની ગેસ્ટ ઓફ ઑનર તરીકે ઉપસ્થિત હતાં. આ વાર્ષિક સમારંભમાં 300થી વધારે નિર્ણયકર્તાઓ અને પ્રભાવશાળી દિગ્ગજો સહભાગી થયા હતા. આ સમારંભના અધ્યક્ષ CEAMAનાં પ્રેસિડન્ટ અને ગોદરેજ એપ્લાયન્સિસનાં બિઝનેસ હેડ અને ઇવીપી શ્રી કમલ નાંદી હતાં.

રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ અફેર્સ મંત્રી આદરણીય શ્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, “ભારત દર વર્ષે 1.85 મિલિયન ટન ઇ-વેસ્ટ પેદા કરે છે. જ્યારે ઉત્પાદનનું વેચાણ થાય છે, ત્યારે કંપનીની ભૂમિકા પૂરી થતી નથી. કોર્પોરેટ વૈશ્વિક પડકાર સમાન બની ગયેલી ઇ-વેસ્ટની સમસ્યાનું સમાધાન કરવાની જવાબદારી ધરાવે છે. અમે કોર્પોરેટ સેક્ટરની માંગણીઓ સ્વીકારી છે અને કોર્પોરેટ કરવેરો ઘટાડવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે.

મીડિયાએ પૂછે છે કે, આ નિર્ણય લેવાથી શું રોકાણ વધશે, ત્યારે હું કહેવા ઇચ્છું છું કે, સરકારે એનું કામ કર્યું છે, હવે એને ઉચિત પ્રતિસાદ આપવા કોર્પોરેટ સેક્ટરની જવાબદારી છે. રિયલ એસ્ટેટથી લઈને ઓટોમોબાઇલ અને ઉત્પાદન ક્ષેત્ર માટે સીમાચિહ્નરૂપ નિર્ણયો લીધા છે અને ભારતને 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાનો લક્ષ્યાંક પાર પાડવા માટે તમામ ક્ષેત્રને સાથસહકાર આપવાનું ચાલુ રાખીશું. બિઝનેસ લીડર્સ મારા નિવાસસ્થાને કે નોર્થ બ્લોકમાં મારી ઓફિસમાં મને મળી શકે છે અથવા મને લખી શકે છે. અમે ઉદ્યોગ અને કોર્પોરેટ ઇન્ડિયાને સાથસહકાર કેવી રીતે આપી શકીએ એનાં પર પ્રતિસાદ અને વિચારો મેળવવા મારા દરવાજાં હંમેશા ખુલ્લાં છે.”

CEAMAએફ્રોસ્ટ એન્ડ સુલિવન સાથે જોડાણમાં એક રિપોર્ટ ‘ઇમ્પેક્ટ એનાલીસિસ ઓફ ઇન્ક્રીઝ મેનુફેક્ચરિંગ ઇન સિલેક્ટ સેગમેન્ટ્સ ઓફ એપ્લાયન્સિસ એન્ડ કન્ઝ્યુમર ઇન્ડસ્ટ્રી’રિપોર્ટ પણ જાહેર કર્યો હતો, જેમાં એસી, ઓડિયો, રેફ્રિજરેટર્સ, ટીવી અને વોશિંગ મશીન સેગમેન્ટને આવરી લેવામાં આવ્યાં છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, જીએસટી અને ડિમોનેટાઇઝેશનને કારણે જોવા મળેલી કામચલાઉ ઘટાડાની અસર હવે ઓસરી રહી છે. દેશમાં ઘણાં પરિબળો માગને વેગ આપી રહ્યાં છે. ભારતમાં મોટા પાયે શહેરીકરણ થઈ રહ્યું છે. વર્ષ 2025 સુધીમાં શહેરી ભારતમાં આશરે 38 ટકા ભારતીયો રહેતાં હશે અને વર્ષ 2030 સુધીમાં શહેરો ભારતીય જીડીપીમાં 70 ટકા હિસ્સો ધરાવશે.

આ શહેરો ઊંચી કિંમત ધરાવતા ઉત્પાદનો પર ખર્ચની પસંદગી અને વાજબીપણાને કારણે વધારે ખર્ચ કરશે. મોટા ભાગની ACE કેટેગરીઓની ઓછી પહોંચનું સ્તર આ ઉદ્યોગને વૃદ્ધિ માટે મોટી તક પૂરી પાડે છે. આ તક ભારતમાં મોટા અર્ધશહેરી અને ગ્રામીણ બજારોમાં વધારે જોવા મળે છે. રિપોર્ટમાં ઉમેરવામાં આવ્યું છે કે, ભારતમાં ACE બજારમાં છેલ્લાં પાંચ વર્ષમાં સારી વૃદ્ધિ જોવા મળી છે.

આગળ જતાં ગ્રામીણ વપરાશમાં વધારો થવાથી, રિપ્લેસમેન્ટ ચક્રમાં ઘટાડો થવાથી, રિટેલની પહોંચ વધવાથી, વિવિધ કિંમતે જુદી જુદી બ્રાન્ડ અને ઉત્પાદનો ઉપલબ્ધ થવાથી બજારમાં વૃદ્ધિને વેગ મળશે એવી શક્યતા છે.

નાણઆકીય વર્ષ 2018-19માં રિપોર્ટમાં આવરી લેવામાં આવેલી 5 કેટેગરીઓના બજારની કુલ સાઇઝ રૂ. 76,400 કરોડ હતી અને નાણાકીય વર્ષ 2024-25 સુધીમાં 11.7 ટકાના વાર્ષિક ચક્રવૃદ્ધિ દર (સીએજીઆર) પર વધશે એવો અંદાજ છે. ACE ઉત્પાદનોની ખરીદીમાં વધારો તથા ‘મેક ઇન ઇન્ડિયા’ અને રાષ્ટ્રીય ઇલેક્ટ્રોનિક્સ નીતિ જેવી સાનુકૂળ સરકારી પહેલો સાથે ભારત આંતરરાષ્ટ્રીય કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સનું ઉત્પાદન કેન્દ્ર બની શકે છે. ACE ઉત્પાદનો માટે સ્થાનિક મૂલ્ય સંવર્ધન નાણાકીય વર્ષ 2018-19માં 34 ટકા હતું, જે નાણાકીય વર્ષ 2024-25માં વધીને 54 ટકા થવાની શક્યતા છે.

MEITYનાં સચિવ શ્રી અજય પ્રકાશ સાહનીએ કહ્યું હતું કે, “ભારતીય ગ્રાહકો વધારે જાગૃત થયા છે અને તેમની મહત્ત્વાકાંક્ષાઓ વધી છે. હવે તેઓ શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત ઉપકરણો અને ઇલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુઓ ખરીદવા ઇચ્છે છે. એનાથી ACE ક્ષેત્રમાં વૃદ્ધિની તકોને પ્રોત્સાહન મળ્યું છે.

આ ક્ષેત્ર દેશમાં રોજગારીનું સર્જન કરતાં અગ્રણી ક્ષેત્રોમાં સામેલ છે. ઉદ્યોગ સૌથી મોટા નિકાસકાર ક્ષેત્રમાં સ્થાન મેળવવાની ક્ષમતા ધરાવે છે. આ સેક્ટરની વૃદ્ધિ માટે સરકારી-ખાનગી જોડાણ વધે એ જરૂરી છે.”

CEAMAનાં પ્રેસિડન્ટ અને ગોદરેજ એપ્લાયન્સિસનાં બિઝનેસ હેડ અને ઇવીપી શ્રી કમલ નાંદીએ કહ્યું હતું કે, “CEAMA એની સ્થાપનાને 40 વર્ષ પૂર્ણ કરે છે, જે આ સંસ્થા અને ક્ષેત્રની સિદ્ધિ છે. પણ અત્યારે સમય વૃદ્ધિ માટે રોમાંચક હોવાની સાથે સચેત કરવાનો પણ છે. એક ઉદ્યોગ તરીકે આપણે વૃદ્ધિદર હાંસલ કરવા સંયુક્તપણે કામ કરવાની જરૂર છે.

એપ્લાયન્સિસ અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ (ACE) ઉદ્યોગની સાઇઝ મોટા અને નાનાં ઉપકરણો તથા કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સને સમાવે છે. આ ઉદ્યોગ અંદાજે રૂ. 130,000 કરોડનો છે, જે કેન્દ્ર અને રાજ્ય સરકારોની આવકમાં નોંધપાત્ર પ્રદાન કરે છે. આ સેક્ટર વૃદ્ધિની પુષ્કળ તકો પૂરી પાડે છે, કારણ કે એપ્લાયન્સિસ અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ (ACE)ની તમામ કેટેગરીઓનાં ઉપકરણોની પહોંચ ભારતમાં આંતરરાષ્ટ્રીય સરેરાશથી ઓછી છે.

એપ્લાયન્સિસ અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ (ACE) ઉદ્યોગ ઊંચું મૂલ્ય ધરાવતા અત્યાધુનિક ઉત્પાદનો માટે આયાત પર સારાં એવા પ્રમાણમાં નિર્ભર છે તેમજ સ્પેર પાર્ટ્સ અને કમ્પોનેન્ટ્સની આયાત પર પણ નિર્ભર છે. ACE ઉત્પાદનની ઇકોસિસ્ટમ માટે સ્કેલ મૂળભૂત પૂર્વઆવશ્યકતા છે, જે ઉદ્યોગને સ્વનિર્ભર અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાત્મક બનાવશે. ભારત સ્કેલ વધારવા એક અબજથી વધારે વસ્તી ધરાવે છે. આ વસ્તી માટે ACE ઉત્પાદનો સ્થાનિક ઉદ્યોગ પાસેથી પૂરા પાડવા ઉચિત નીતિનિયમોની જરૂર છે.”

તેમણે ઉમેર્યું હતું કે, “જ્યારે ખાનગી ક્ષેત્રની ગતિશીલતા અને નવીન જુસ્સાને વેગ મળશે, ત્યારે જ ઊંચો વૃદ્ધિદર હાંસલ થઈ શકશે અને જળવાઈ રહેશે. ACE ડાયલોગ્સ એપ્લાયન્સ અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રની વૃદ્ધિને કેવી રીતે વેગ આપવો તથા સતત વૃદ્ધિ આ ક્ષેત્ર અને દેશને કેવી રીતે લાભ મળી શકે એ વિશે વિચારવા માટે ઉચિત પ્લેટફોર્મ છે.”

કોન્ફરન્સમાં ‘ઇન્ક્રીઝ ઇમ્પેક્ટ ઓફ મેનુફેક્ચરિંગ’ વિષય પર ચર્ચા થઈ હતી, જેમાં સ્થાનિક ઉત્પાદનને વધારવાના મહત્ત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ચર્ચા માટેની પેનલમાં એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાનાં એમડી શ્રી કી વાન કીમ, વોલ્ટાસ લિમિટેડનાં એમડી અને સીઇઓ શ્રી પ્રદીપ બક્ષી, કેરિયર મીડિયાનાં એમડી શ્રી ક્રિષ્નન સચદેવ અને એમ્બર એન્ટરપ્રાઇઝીસનાં ચેરમેન અને સીઇઓ શ્રી જસબિર સિંઘ સામેલ થયા હતા.

આ કોન્ફરન્સમાં ‘ચેન્જિંગ ધ મેનુફેક્ચરિંગ લેન્ડસ્કેપ’ પર ચર્ચા પણ યોજાઈ હતી, જેમાં શ્રી અજય સાહની અને શ્રી કમલ નાંદી સામેલ થયા હતા. એમાં એપ્લાયન્સિસ અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ (ACE) ક્ષેત્ર ભારતની જીડીપીમાં કેવી રીતે મહત્ત્વપૂર્ણ પ્રદાન કરી શકે એનાં પર રસપ્રદ સેશન કે સત્ર યોજાયું હતું.

એપ્લાયન્સિસ અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ (ACE) ઉદ્યોગનાં 40 વર્ષની ઉજવણી કરતાં CEAMAએ ભારતમાં ડ્યુરેબલ ઉદ્યોગમાં પ્રદાન કરનાર ઉદ્યોગનાં સભ્યોનું સન્માન પણ કર્યું હતું. સંસ્થાએ ‘મેન ઓફ ઇલેક્ટ્રોનિક્સ એવોર્ડ’ પેનાસોનિક ઇન્ડિયા અને દક્ષિણ એશિયાનાં પ્રેસિડન્ટ અને સીઇઓ શ્રી મનિષ શર્માને, ‘મેન ઓફ એપ્લાયન્સિસ એવોર્ડ’ કેરિયર મીડિયાનાં મેનેજિંગ ડાયરેક્ટર શ્રી ક્રિષ્નન સચદેવને એનાયત કર્યો હતો. ઉપરાંત CEAMAએ એમઆઇઆરસી ઇલેક્ટ્રોનિક્સનાં ચેરમેન અને એમડી શ્રી ગુલુ મિરચંદાનીને ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ પ્રદાન કરવા બદલ ‘લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ’ પણ એનાયત કર્યો હતો.

આ કોન્ફરન્સનાં સમાપનમાં CEAMAનાં સેક્રેટરી જનરલ શ્રી રોહિત કુમાર સિંહે કહ્યું હતું કે, “એપ્લાયન્સિસ અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ (ACE) ક્ષેત્ર અભૂતપૂર્વ વૃદ્ધિ કરવાની અણી પર છે. ACE ડાયલોગ્સ જેવા પ્લેટફોર્મ ઉદ્યોગને એકમંચ પર લાવવામાં પથપ્રદર્શક ભૂમિકા ભજવે છે તથા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ધ્યાન ખેંચે છે. સરકાર અને ખાનગી ક્ષેત્ર વચ્ચે જોડાણ ઊભું કરવું મહત્ત્વપૂર્ણ છે. આ ક્ષેત્રની તમામ કેટેગરીમાં પહોંચનું સ્તર ભારતમાં હજુ પણ ઓછું છે. એટલે ક્ષેત્ર સ્કેલ હાંસલ કરવા અને સ્પર્ધાત્મક બનવા ઉત્પાદનની સ્વનિર્ભર ઇકોસિસ્ટમ વિકસાવે એ જરૂરી છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.