‘મહિલાઓમાં રોકાણ કરો, પ્રગતિને વેગ આપો’ થીમ આધારિત મહિલા દિનની ઉજવણી
ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના હેઠળ મંજૂરી હુકમ અને કન્યાદાન કિટનું વિતરણ કરવામાં આવ્યું-મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમલીકૃત વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા
8મી માર્ચ, આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે મહિલાઓને માન-સન્માન આપવા, મહિલાઓની શક્તિને ઉજાગર કરવા, તેઓની ક્ષમતાને ઉત્સાહિત તેમજ પ્રેરિત કરવા દર વર્ષે અલગ અલગ થીમ નિયત કરી સમગ્ર વિશ્વમાં તેની ઉજવણી કરવામાં આવે છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ જિલ્લામાં અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા આયોજિત ‘મહિલાઓમાં રોકાણ કરો, પ્રગતિને વેગ આપો’ થીમ આધારિત મહિલા દિનની ઉજવણી નિમિત્તે અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, ધારાસભ્ય સુશ્રી દર્શનાબહેન વાઘેલા અને કોર્પોરેટર(કાઉન્સેલર) શ્રીમતી અનસૂયાબહેન પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના મેઘાણીનગર, અસારવાની ગુજરાતી શાળા નં. 2 ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમલીકૃત વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. વ્હાલી દીકરી યોજના અંતર્ગત દીકરી વધામણાં કિટ અને વ્હાલી દીકરી યોજનાના મંજૂરી હુકમનું વિતરણ કરવામાં આવ્યા હતા. ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના અંતર્ગત કન્યાદાન કિટ અને મંજૂરી હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહિલાઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી સુશ્રી તન્વીબહેન ચાવડા, દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી સુશ્રી વૃતિકાબહેન વેગડા, સખી વન સ્ટોપ સેન્ટરનાં કેન્દ્રસંચાલક સુશ્રી મિત્તલબહેન હાજર રહ્યાં હતાં.