ઝઘડિયા તાલુકામાં પયગંબર સાહેબના જન્મદિન ઈદે મિલાદના પર્વની ઉત્સાહથી ઉજવણી
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, આજે ગુરૂવારના રોજ ઈદે-મિલાદનું પર્વ હોઈ મુસ્લિમ બિરાદરો દ્વારા ઠેરઠેર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાં પણ મુસ્લિમ બિરાદરો દ્વારા પયગંબર સાહેબના જન્મદિનના પર્વ ઈદે મિલાદના તહેવારની પરંપરાગત ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે તાલુકાના ઝઘડિયા રાજપારડી ઉમલ્લા ભાલોદ વણાકપોર તરસાલી ઈન્દોર કપલસાડી સહિતના મુસ્લિમ વસતી ધરાવતા સ્થળોએ મસ્જિદોને રોશનીથી સજાવવામાં આવી હતી.વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરોમાં ઈદે મિલાદના પર્વની ઉજવણીનો ઉત્સાહ જોવા મળ્યો હતો.
જ્યારે રાજપારડી ઉમલ્લા ખાતે ઇદે મિલાદ નિમિત્તે જુલુશના આયોજન કરવામાં આવ્યા હતા.જ્યારે તાલુકા મથક ઝઘડિયા ખાતે આવતીકાલે જુલુશ નીકળશે એમ જાણવા મળ્યું હતું.આજે ગણેશ વિસર્જન અને ઈદે મિલાદના પર્વ એકજ દિવસે આવ્યા હોઈ બન્ને ધર્મના તહેવારોનો સમન્વય જોવા મળ્યો હતો.
આ પ્રસંગે હિન્દુ મુસ્લિમ ભાઈઓમાં તહેવારોની ઉજવણીનો ઉત્સાહ જોવા મળ્યો હતો.ઈદે મિલાદ નિમિત્તે મુસ્લિમ વિસ્તારોમાં પયગંબર સાહેબના બાલ મુબારકની જ્યારત ઉપરાંત નજરો ન્યાઝના કાર્યક્રમ યોજાયા હતા. જ્યારે મસ્જિદોમાં મૌલાનાઓ દ્વારા પયગંબર સાહેબના પવિત્ર અને સાદગીભર્યા જીવન અંગેના પ્રવચન કરવામાં આવ્યા હતા.
ઈદે મિલાદના પર્વના અવસરે મુસ્લિમ બિરાદરો દ્વારા રાષ્ટ્રના સાર્વત્રિક વિકાસ અને અખંડ ભાઈચારાની દુઆઓ માંગવામાં આવી હતી.