અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિશ્વ રક્તદાન દિનની ઉજવણી
ઇન્ટાસ કંપની દ્વારા રૂ. 80 લાખના ખર્ચે બ્લડ કલેકશન વાન અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા રૂ. 28 લાખના કિંમતની બ્લડ ટ્રાન્સપોર્ટ વાન સિવિલ હોસ્પિટલના દર્દીઓના હિતાર્થે દાન કરાઇ
જુનિયર ડૉક્ટર્સ એસોશિએશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું-10 બ્લડ ડોનર્સ સંસ્થાનું સન્માન પણ કરાયું-આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીની પ્રેરક ઉપસ્થિતી
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વર્લ્ડ બ્લડ ડોનેશન દિવસની સેવાભાવ સાથે ઉજવણી કરાઇ હતી. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીની અધ્યક્ષતામાં સિવિલ હોસ્પિટલ ખાતે આ ઉજવણી કરાઇ . જેમાં સિવિલ હોસ્પિટલના જુનિયર ડૉકટર્સ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતુ. જેમાં અગ્ર સચિવ સહિતના મહાનુભાવોએ રક્ત દાન કર્યું હતુ.
આજે કુલ ૨૦૬ યુનિટ બ્લડ કલેક્ટ કરાયું હતું. તદ્ઉપરાંત આ કાર્યક્રમમાં બ્લડ ડોનેશન સાથે સંકળાયેલી અમદાવાદ શહેરની 10 સંસ્થાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતુ.
વર્લ્ડ બ્લડ ડોનેશન દિવસની ઉજવણીને વધુ સાર્થક કરવા ઇન્ટાસ કંપની દ્વારા દર્દીઓના હિતાર્થે રૂ.80 લાખના ખર્ચે ચાર કોટ વાળી બ્લડ કલેકશન વાન અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા રૂ.28 લાખના કિંમતની બ્લડ ટ્રાન્સપોર્ટ વાન સિવિલ હોસ્પિટલમાં દાન કરવામાં આવી હતી.
આ બ્લડ કલેકશન વાનમાં એક સાથે ચાર વ્યક્તિઓ બ્લડ ડોનેટ કરી શકશે. તેમજ બ્લડ ટ્રાન્સપોર્ટ વાન શહેરમાં વિવિધ સ્થળોએ ફરીને બ્લડ કલેકટ કરવામાં મદદરૂપ બનશે.
આ સમગ્ર કાર્યક્રમમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી, સરકારી સ્પાઇન ઇન્સ્ટીટ્યુટના ડાયરેક્ટર ડૉ. પિયુષ મિત્તલ , યુ.એન.મહેતા હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. ચિરાગ દોશી, કિડની ઇન્સ્ટીટયુટના ડાયરેક્ટર ડૉ. પ્રાંજલ મોદી, સિવિલ હોસ્પિટલ ના એડિશનલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રજનીશ પટેલ સહિત મોટી સંખ્યામાં તબીબો ઉપસ્થિત રહ્યા હતા.