ભારે વિલંબ બાદ ૨૦૨૫માં વસતી ગણતરી શરૂ થવાની શક્યતા
નવી દિલ્હી, ભારે વિલંબ પછી દેશમાં ૨૦૨૫ની શરૂઆતમાં વસતી ગણતરી (સેન્સસ)નો પ્રારંભ થવાની શક્યતા છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર) અપડેટ કરવાનું કામ આગામી વર્ષથી શરૂ થશે અને ડેટા ૨૦૨૬માં જાહેર કરવામાં આવશે.
તેને લીધે વસતી ગણતરીની આગામી સાઇકલ્સ સંપૂર્ણપણે બદલાઇ જશે.સૂત્રોએ સ્પષ્ટતા કરી હતી કે, જાતિ આધારિત વસતી ગણતરી પણ સામાન્ય સેન્સસ સાથે કરવામાં આવશે કે નહીં તેનો કોઇ નિર્ણય લેવાયો નથી. ઉલ્લેખનીય છે કે, ૧૯૫૧થી દર ૧૦ વર્ષે દેશની વસતી ગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. જોકે, કોવિડ-૧૯ મહામારીને કારણે ૨૦૨૧માં સેન્સસનું કામ શક્ય બન્યું ન હતું.
હજુ વસતી ગણતરીના સમય અંગે કોઇ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી. જોકે, સૂત્રોએ જણાવ્યું હતું કે, “સેન્સસ અને એનપીઆરનું કામ આગામી વર્ષના પ્રારંભે શરૂ કરવામાં આવશે અને વસતી અંગેનો ડેટા ૨૦૨૬માં જાહેર થશે. એટલે હવે વસતી ગણતરીની સાઇકલ ૨૦૨૫-૨૦૩૫ અને ૨૦૩૫-૨૦૪૫ રહેશે.”
રજિસ્ટ્રાર જનરલ એન્ડ સેન્સસ કમિશ્નરની ઓફિસે વસતી ગણતરીની કવાયત દરમિયાન નાગરિકોને પૂછવામાં આવનારા ૩૧ પ્રશ્નની યાદી તૈયાર કરી છે. જેમાં પરિવારના વડા અથવા અન્ય સભ્ય અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના છે કે નહીં એવો પ્રશ્ન પણ સામેલ છે.
અગાઉના સેન્સસમાં પણ આ પ્રશ્ન પુછાયો હતો. કોંગ્રેસે વસતી ગણતરીની પ્રક્રિયા સંબંધી સ્પષ્ટતા માટે સર્વપક્ષીય બેઠક બોલાવવાની માંગણી કરી છે. કોંગ્રેસના જનરલ સેક્રેટરી (ઇન-ચાર્જ કમ્યુનિકેશન્સ) જયરામ રમેશે જણાવ્યું હતું કે, “બે મહત્વના મુદ્દે હજુ કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
પહેલો મુદ્દો એ કે ૧૯૫૧થી દરેક સેન્સસમાં થતી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની વસતી ગણતરી ઉપરાંત, આ વખતે દેશની તમામ જાતિઓની વિસ્તૃત ગણતરીનો સમાવેશ કરાશે? ઉપરાંત, આ વખતે કરવામાં આવનારી વસતી ગણતરીનો ઉપયોગ બંધારણની કલમ ૮૨ની જોગવાઇ અનુસાર દરેક રાજ્યમાં પ્રતિનિધીઓની સંખ્યા નિર્ધારિત કરવામાં થશે કે નહીં?”SS1MS