કેન્દ્રનો 76 મિલિયન ટન કોલસાની આયાતનો નિર્ણય

વિદેશથી મોંઘો કોલસો મગાવવા કેન્દ્રનો ર્નિણય ઃ વીજળીના દરમાં ૫૦થી ૮૦ પૈસા પ્રતિ યુનિટનો ભાવવધારો થશે
નવી દિલ્હી, દેશમાં હવે એક પણ ચીજ ભાવવધારાથી બાકાત નથી રહી ત્યારે લોકોએ વધુ ભાવવધારો સહન કરવા માટે તૈયાર રહેવું પડશે. હાલમાં દેશમાં વીજળીની ડિમાન્ડને પહોંચી વળે તેટલો કોલસો ન હોવાના કારણે વિદેશથી મોટા પ્રમાણમાં કોલસાની આયાત કરવાનો ર્નિણય લેવાયો છે.
આ કોલસો મોંઘો હોવાના કારણે વીજળીના દર પણ વધારવા પડશે. હાલમાં પાવર પ્લાન્ટમાં કોલસાની અછત હોવાના કારણે સરકારે ચાલુ વર્ષમાં ૭૬ મિલિયન ટન કોલસાની આયાત કરવાનો ર્નિણય લીધો છે. તેના કારણે વીજળીના દરમાં ૫૦થી ૮૦ પૈસા પ્રતિ યુનિટનો ભાવવધારો થવાની શક્યતા છે.
હાલમાં દેશમાં ચોમાસુ જામ્યું હોવાના કારણે કોલસાના ઉત્પાદનને અસર થઈ છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પાવર પ્લાન્ટને કોલસાનો સપ્લાય અસરગ્રસ્ત રહેવાનો છે. તેથી કોલ ઈન્ડિયા લિમિટેડ ૧૫ મિલિયન ટન કોલસાની આયાત કરશે.
આ ઉપરાંત દેશની સૌથી મોટી વીજ ઉત્પાદક કંપની એનટીપીસીતથા દામોદર વેલી કોર્પોરેશન (ડ્ઢસ્ઝ્ર) પણ ૨૩ મિલિયન ટન કોલસાની આયાત કરે. વીજ ઉત્પાદક કંપનીઓ અને સ્વતંત્ર વીજ ઉત્પાદકો ચાલુ વર્ષમાં ૩૮ એમટી કોલસાની આયાત કરવાની યોજના ધરાવે છે.
ભારતમાં ૯ જૂને વીજળીની સૌથી વધારે ડિમાન્ડ ૨૧૧ ગીગાવોટ નોંધાઈ હતી જે એક રેકોર્ડ છે. ૨૦ જુલાઈએ દેશમાં પાવરની ડિમાન્ડ ઘટીને ૧૮૫ ગીગાવોટ નોંધાઈ હતી કારણ કે ચોમાસાના કારણે વીજળીની ખપત ઘટી છે.
સી પોર્ટથી પાવર સ્ટેશન કેટલા અંતરે આવેલું છે તેના આધારે વીજળીના ભાવમાં વધારો થશે. એનટીપીસી અને ડીવીસી દ્વારા યુનિટ દીઠ ૫૦થી ૬૦ પૈસાનો વધારો થવાની શક્યતા છે જ્યારે બીજી કંપનીઓ દ્વારા યુનિટ દીઠ ૫૦થી ૮૦ પૈસા સુધી દર વધારવામાં આવશે. સપ્ટેમ્બર સુધીમાં પરિસ્થિતિ નોર્મલ થવાની શક્યતા છે.
ભારતમાં અત્યારે જે કોલસાનો સપ્લાય છે તે વીજ ઉત્પાદન માટે પૂરતો નથી. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સમસ્યા વધારે ગંભીર બને તેવી શક્યતા છે. ૧૫ ઓક્ટોબર સુધી સપ્લાયની તંગી રહેવાની શક્યતા છે. આયાતી કોલસાની મદદથી આ સમસ્યાનો અંત લાવી શકાશે તેમ માનવામાં આવે છે.
દેશમાં દર વર્ષે હીટવેવ વખતે વીજળીની માંગમાં સૌથી વધારે ઉછાળો આવે છે. સરકારી વીજ કંપનીઓએ કોલસો ખરીદવા માટે ૩૭૦૦ કરોડની લોન મંજૂર કરાવી છે તેમાંથી ૧૮૦૦ કરોડની લોન મહારાષ્ટ્ર સ્ટેટ પાવર જનરેશન કંપની લિ. માટે છે.