ખેડૂતો-કેન્દ્ર વચ્ચેની વાતચીતનો કોઈ નિર્ણય ન આવ્યોઃ જગજીતસિંહ ડલ્લેવાલને કસ્ટડી

પંજાબ પોલીસ-ખેડૂતો વચ્ચે ઝપાઝપી; શંભુ-ખનૌરી બોર્ડર પર ફોર્સ વધારવામાં આવીઃ હરિયાણામાં એલર્ટ
નવી દિલ્હી, પંજાબના મોહાલીમાં નવા એરપોર્ટ ચોક પાસે લાંબા સમયથી ભૂખ હડતાળ પર બેઠેલા ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલને પોલીસે કસ્ટડીમાં લીધા છે. આ ઉપરાંત તેમની સાથે સરવન સિંહ પાંધેર, Jagjit Singh Dallewal taken into custody by the police
અભિમન્યુ કોહાડ, કાકા સિંહ કોટડા અને અન્ય નેતાઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. સરકારે શંભુ અને ખાનૌરી બોર્ડર પર દેખાવો કરી રહેલા ખેડુતોને હટાવવાની કામગીરી શરુ કરી છે. આ દરેક નેતાઓ લાંબા સમયથી ખેડૂતોની માંગણીઓ લઈને સંઘર્ષ કરી રહ્યા છે અને સરકારને લઘુત્તમ ટેકાના ભાવની કાનૂની ગેરંટી સહિત અન્ય માંગણીઓ પૂર્ણ કરવા અપીલ કરી રહ્યા છે.
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ મોહાલી-ચંદીગઢ બોર્ડર પર પોલીસ અને ખેડૂતો વચ્ચે અથડામણ થઈ હતી. આ ઉપરાંત ત્યાં મોટી સંખ્યામાં સુરક્ષા દળો તહેનાત કરવામાં આવ્યા છે. પોલીસે સાવચેતીના પગલાં લીધા અને દેખાવો કરનારા ખેડુતોને હટાવવાની કોશિશ કરી હતી, જેના કારણે વાતાવરણ તંગ બની ગયુ હતું. માહિતી પ્રમાણે સરકારે હાલમાં શંભુ અને ખાનૌરીમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે.
હકીકતમાં બુધવારે ખેડૂત નેતાઓ અને કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ વચ્ચે સાતમા રાઉન્ડની વાતચીત થઈ હતી. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશી અને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ આ બેઠકમાં હાજર રહ્યા હતા. પંજાબ સરકાર વતી નાણામંત્રી હરપાલ સિંહ ચીમા અને કૃષિમંત્રી ગુરમીત સિંહ ખુદિયાન બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં ખેડૂતોની મુખ્ય માંગણીઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
જેમાં પાક માટે લઘુત્તમ ટેકાના ભાવની કાનૂની ગેરંટી, ખેડૂતો અને ખેત મજૂરો માટે પેન્શન, લોન માફી, વીજળીના દરમાં કોઈ વધારો નહીં, ખેડૂતો સામે નોંધાયેલા પોલીસ કેસ પાછા ખેંચવા અને લખીમપુર ખેરી હિંસાના પીડિતો માટે ન્યાય જેવી માંગણીઓનો સમાવેશ કરવામાં આવે છે.
બેઠક બાદ કેન્દ્રીય કૃષિ મંત્રી ચૌહાણે જણાવ્યું હતું કે, ‘ખેડુતનેતાઓ સાથે થયેલી ચર્ચા સકારાત્મક રહી છે અને આગામી બેઠક ૪ મેના રોજ થશે.’ ખેડૂત નેતા સરવન સિંહ પંઢેરે જણાવ્યું હતું કે, ‘ખેડૂતોને આશા છે કે સરકાર તેમની માંગણીઓનો નક્કર ઉકેલ લાવશે. સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) અને કિસાન મજૂર મોરચા (કેએમએમ) ના ૨૮ સભ્યોના પ્રતિનિધિમંડળે બેઠકમાં ભાગ લીધો હતો.
આ પહેલા ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલ એમ્બ્યુલન્સમાં બેસીને સ્થળ પર પહોંચ્યા હતા. ડલ્લેવાલે કહ્યું કે, ‘હું સરકાર પાસેથી એમએસપીની કાનૂની ગેરંટી માટે સંતોષકારક જવાબની આશા રાખુ છું.’ આ પહેલા ૨૨ ફેબ્રુઆરીના રોજ ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે વાટાઘાટો થઈ હતી, જેમાં સરકારે એમએસપી પર કાનૂની ગેરંટીની માંગના સમર્થનમાં ખેડૂતો પાસેથી ડેટા માંગ્યો હતો.
ખેડૂતોએ જણાવ્યું કે, તેના માટે દર વર્ષે લગભગ ૨૫,૦૦૦ થી ૩૦,૦૦૦ કરોડ રૂપિયાનું બજેટ જોઈએ. ખેડૂતોનું કહેવું છે કે, અમારી અન્ય માંગણીઓમાં ૨૦૨૦-૨૧ના ખેડૂત આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના પરિવારોને વળતર, જમીન સંપાદન કાયદો ૨૦૧૩ પુનઃસ્થાપિત કરવો અને લખીમપુર ખેરી હિંસાના ગુનેગારોને સજા આપવાની માંગણીનો સમાવેશ થાય છે.