કેન્દ્ર સરકાર દેશમાંથી બંધારણના મૂલ્યોને ખતમ કરી રહી છે: પ્રિયંકા ગાંધી
વાયનાડ, કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ વાયનાડની પેટા ચૂંટણી માટે બીજા તબક્કાનો પ્રચાર શરૂ કરી દીધો છે. તેમણે સોમવારે ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર પર બંધારણના મૂલ્યોને ખતમ કરવાનો આરોપ મૂક્યો હતો.
એઆઇસીસીના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધીએ મીનાંગડી ખાતે લોકોને સંબોધતા મણિપુરની હિંસાને ટાંકી દેશમાં લઘુમતી સમાજ પર આયોજનબદ્ધ રીતે હુમલા થઇ રહ્યા હોવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, “તમે જાણો છો કે કેન્દ્રની ભાજપ સરકાર ભય, રોષ અને તણાવ ફેલાવી રહી છે.”
પ્રિયંકાએ જણાવ્યું હતું કે, “સામાન્ય જનતાને બદલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિત્રોની તરફેણ માટે સતત જુદીજુદી પોલિસી બનાવાઇ રહી છે. રોજ તનતોડ મહેનત કરતા ખેડૂતો માટે કોઇ દયા નથી. આદિવાસી સમાજને કોઇ સમજતું નથી. તેમની જમીનો ધનાઢ્ય લોકો ખૂંચવી રહ્યા છે.”
પ્રિયંકાએ ભાઇ રાહુલ ગાંધીને ટાંકીને જણાવ્યું હતું કે, “આજે આપણે મોટી લડાઇ લડી રહ્યા છીએ અને તે (રાહુલ) લડાઇનું નેતૃત્વ કરી રહ્યા છે. આપણે બંધારણના મૂલ્યોને જાળવવા લડત આપી રહ્યા છીએ. આજે આપણે લોકશાહી માટે લડી રહ્યા છીએ.”વાયનાડમાં લોકસભા પેટાચૂંટણી માટે ઉમેદવારી નોંધાવનાર પ્રિયંકા ગાંધીએ મધર ટેરેસા સાથે સંબંધિત એક હૃદયસ્પર્શી વાર્તા શેર કરી છે.
પોતાના પ્રચાર દરમિયાન એક ચૂંટણી રેલીને સંબોધતા પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે મારા પિતાની હત્યા બાદ મધર ટેરેસા અમારા ઘરે આવ્યા હતા. તેમણે મને કહ્યું કે મારે નિરાધાર લોકો માટે કામ કરવું જોઈએ. ત્યાંથી મેં લોકો માટે કામ કરવાની અને તેમને મદદ કરવાની ઈચ્છા વિકસાવી છે. મેં તેમના ટ્રસ્ટમાં બહેનો સાથે કામ કરવાનું શરૂ કર્યું. ત્યાં મારું કામ બાળકોને ભણાવવાનું અને સાફ કરવાનું હતું.
ત્યાં મને સમજાયું કે સેવાનો અર્થ શું છે, એક સમુદાય બીજા સમુદાયને કેવી રીતે મદદ કરી શકીએ છીએ, આપણે એકબીજાને કેવી રીતે ટેકો આપી શકીએ. વાયનાડમાં મેં જોયું છે કે કેવી રીતે એક સમુદાયે બીજા સમુદાયને મદદ કરી હતી. મને તે જોઈને ખૂબ જ ગર્વ થયો.SS1MS